યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો યુવક ભેદી રીતે લાપતા

અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતો એક યુવક છેલ્લા ૨૦ દિવસથી ભેદી રીતે લાપતા થતાં પોલીસે તેને શોધવા માટે તજવીજ શરૂ કરી છે. યુવક એક યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. જન્મદિવસના દસ દિવસ પહેલાં ધાર્મિક પ્રસંગમાં જવાનું કહીને તે ગુમ થયો છે. યુવકના ગુમ થવા મામલે અનેક તર્કવિતર્કો સર્જાઇ રહ્યા છે.

સરદારનગર વિસ્તારમાં રહેતો ૨૧ વર્ષિય વિશાલ સુનીલકુમાર લાલવાણી તારીખ ૨૪ એપ્રિલના રોજ લાપતા થયો છે. વિશાલ અમરાઇવાડી વિસ્તારમાં આવેલી જિન્સ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતો હતો. જ્યાં તેને ગોમતીપુરની એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. વિશાલ અને યુવતીએ એકબીજાં સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. જોકે વિશાલની ઉંમર ૨૦ વર્ષની હોવાથી તે યુવતી સાથે લગ્ન કરી શક્યો નહીં. જેને કારણે તેણે લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી કર્યું હતું. વિશાલ યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપનો કરાર કરીને તેની સાથે રહેવા લાગ્યો હતો.

વિશાલની ઉમર ૨૧ વર્ષની થઇ જાય ત્યારબાદ બંને જણા લગ્નગ્રંથિમાં જોડાવવાનું નક્કી કર્યું હતું. તારીખ ૯મે ના રોજ વિશાલનો જન્મદિવસ હતો અને તેના ૧૪ દિવસ પહેલાં વિશાલ ભેદી રીતે લાપતા થયો છે. વિશાલનાં માતા નિશાબહેને જણાવ્યું છે કે વિશાલ તેનાં લગ્નની લઇને ખુશ રહેતો હતો અને ધામધુમથી લગ્ન કરવા માગતો હતો.

વિશાલે તેના મિત્રના સંબધીના ધાર્મિક પ્રસંગમાં વીસનગર ખાતે જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. વિશાલે તેનો મોબાઇલ ઘરે મૂકી દીધો હતો અને તેનું બાઇક અને ડેબિટ કાર્ડ લઇને ગયો હતો. આજે ૨૨ દિવસ થવા આવ્યા હજુ સુધી વિશાલ મળી આવ્યો નથી અમને શંકા છેતે તેની સાથે કાંઇક અજુગતું થયું છે.

You might also like