આકાશમાં જોવા મળશે અેક અદ્દભૂત ખગોળીય ઘટના, જ્યારે….

નૈનિતાલ: આગામી સોમવારે એટલે કે ૧૩ નવેમ્બરની સવારે આકાશમાં અદ્દભૂત ખગોળીય ઘટના નિહાળવા મળશે, જેમાં આપણા સૌર પરિવારના બે ગ્રહ શુક્ર અને ગુરુ આ દિવસે એટલા બધા નજીક આવી જશે કે જે એકબીજાને સ્પર્શતા હોય તેવું જોવા મળશે અને આ દિવસે આ બંને ગ્રહ વચ્ચેનું અંતર લગભગ અડધા ડિગ્રી જેટલું રહી જશે. પૂર્વ દિશામાં સૂર્યોદય પહેલાં લગભગ એક-એક કલાક ક્ષિતિજથી થોડે ઉપર જ આ ઘટના નિહાળી શકાશે.

ભારતીય તારા ભૌતિકી સંસ્થાન બેંગલુરુના વરિષ્ઠ ખગોળ વિજ્ઞાની પ્રો. આર. સી. કપૂરના જણાવ્યા અનુસાર આ બંને ગ્રહ આપણા સૌરમંડળના સૌથી ચમકતા ગ્રહ છે. તેને નરી આંખે આકાશમાં ચમકતા જોઈ શકાય છે. તેના કારણે આ બંને ગ્રહ વિજ્ઞાનીઓ સહિત ખગોળપ્રેમીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે ૧૩ નવેમ્બરે આ બંને ગ્રહ તેની કક્ષામાં સફર કરતાં એકબીજાની નજીક આવી રહ્યા છે.

જ્યારે આ બંને ખૂબ જ નજીક આવશે ત્યારે તેમની વચ્ચે આભાષીય અંતર અડધા ડિગ્રીથી પણ ઓછું રહી જશે. આ દુલર્ભ સંયોગને આકાશના પૂર્વ ભાગમાં ક્ષિતિજથી ૧૨ ડિગ્રી ઉપર જોઈ શકાશે. સવાર થવાના એક કલાક પહેલાં આ બંને ગ્રહનો ઉદય થશે અને સૂર્યોદય બાદ તે આકાશમાં સમાઈ જશે.

આ ખગોળીય ઘટનામાં આ બંને ગ્રહ ધરતીવાસીઓને એકબીજાને સ્પર્શતા જોવા મળશે, પરંતુ હકીકતમાં તેમની વચ્ચેનું અંતર કરોડો કિલોમીટરનું રહેશે. ધરતીથી શુક્રનું અંતર ૧.૬૪ એયુ એટલે કે ખગોળીય એકમ હશે. જ્યારે ગુરુ ૬.૪ એયુના અંતરે જોવા મળશે. એક ખગોળીય એકમમાં ૧૪ કરોડ ૯૫ લાખ ૯૭ હજાર ૮૭૧ કિમી હોય છે. આટલું અંતર કાપવામાં સૂર્યથી પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં ૮.૩ મિનિટનો સમય લાગે છે તો બીજી તરફ શુક્ર પણ ભલે દેખાવમાં ખૂબ ચમકતો જોવા મળે પરંતુ વાસ્તવમાં તે સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. જે અનેક ગેસથી ઢંકાયેલો રહે છે અને આ ગ્રહમાં તેજાબી વર્ષા થાય છે.જેના કારણે ચમકતો જોવા મળે છે.

You might also like