નિદ્રાધીન પત્ની અને બે પુત્રીની રિવોલ્વરથી ગોળી મારીને હત્યા કરી

અમદાવાદ: જજીસ બંગ્લોઝ-બોડકદેવ વિસ્તારમાં આવેલા રત્નમ્ ટાવરમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતી વ્યક્તિએ આજે વહેલી સવારે પત્ની અને બે પુત્રીઓની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા કરી હોવાની ઘટના બની છે. સવારે ગાઢ નિદ્રામાં સૂઇ રહેલી બંને પુત્રીઓ અને પત્નીની અાર્થિક દેવું અને ઘરકંકાસથી કંટાળી હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ તેઅોઅે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી. ઘટનાના પગલે ફલેટના રહીશો અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વસ્ત્રાપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બિલ્ડરે શા કારણે બંને પુત્રીઓ અને પત્નીની હત્યા કરી તે અંગેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસે હાલ બિલ્ડરની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

બોડકદેવ વિસ્તારમાં ચીફ જસ્ટિસ બંગલો પાસે આવેલા રત્નમ્ ટાવરમાં ધર્મેશભાઇ પ્રેમચંદભાઇ શાહ (ઉ.વ. પ૦) પત્ની અ‌મીબહેન, પુત્રી હેલી અને દીક્ષા સાથે રહે છે. ધર્મેશભાઇ વેજલપુર વિસ્તારમાં આવેલા સફલ પ્રિલયુડમાં દીવા ઇન્ફ્રાસ્ટ્રકચરના નામે બિલ્ડિંગ કન્સ્ટ્રકશન અને સિવિલ એન્જિનિરિંગનો વ્યવસાય કરે છે. આજે વહેલી સવારે પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે ધર્મેશભાઇએ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી પત્નીને ગોળી મારી હત્યા કરી હતી.

બાદમાં પુત્રી હેલી અને દીક્ષાને પણ ગોળી મારી તેની પણ હત્યા કરી નાખી હતી. ગોળીનો અવાજ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા. ખુદ ધર્મેશભાઇએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી કે, મેં મારી પત્ની અને બે પુત્રીઓની હત્યા કરી નાખી છે. હત્યાનો મેસેજ મળતાંની સાથે જ વસ્ત્રાપુર પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો રત્નમ્ ટાવર પહોંચી ગયો હતો.

પોલીસ તપાસમાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ધર્મેશભાઇએ પત્ની અને બંને પુત્રીની હત્યા કરી નાખી હતી. ઘટના અંગે એફએસએલને જાણ કરાતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ત્રણેયની લાશને પી.અેમ. અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. ધર્મેશભાઇ અને તેમનો પરિવાર રત્નમ્ ટાવરમાં રહેતો હતો.

પરિવારના મોભીએ જ પોતાનાં બાળકો અને પત્નીની હત્યા કરી નાખતાં આસપાસના રહીશોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ટાવરના રહીશોમાં ચર્ચાઇ રહ્યું હતું કે, ધર્મેશભાઇની પત્નીનો સ્વભાવ થોડો વિચિત્ર હતો જેના કારણે ક્યારેક પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતી હતી. જોકે કેટલાક લોકોના જણાવ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે કોઇ ઝઘડો થતો ન હતો.

મોટી પુત્રી હેલીએ આર્કિટેક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોઇ પિતાની સાથે વ્યવસાયમાં જોડાયેલી હતી. હેલીને અાગળ વિદેશમાં અભ્યાસ કરવા જવાનું હોવાથી ૭૦ લાખનો ખર્ચો થવાનો હતો ઉપરાંત કરોડો રૂપિયાનું દેવું પણ ધર્મેશભાઈ ઉપર હતું. ૮થી ૧૦ કરોડનો બેંકનો બોજ ઉપરાંત મિત્રવર્તુળમાંથી પાંચથી છ કરોડ રૂપિયા લીધા હતા. જેના કારણે કંટાળીને તેઅોઅે પરિવારના સભ્યોની હત્યા કરી નાંખી હતી.

હેલીને વિદેશમાં ભણવા માટે મોકલવાની ચર્ચા ચાલી રહી હતી અને પોતાની ઉપર કરોડો રૂપિયાનું દેવું હોવાનું પરિવારને ખ્યાલ નહોતો જેના કારણે પરિવારના સભ્યોની હત્યા કરી નાંખી હતી. સૌપ્રથમ અમીબહેનની હત્યા કરી હતી બાદમાં બે ગોળી રિવોલ્વરમાં ભરાવી બંને પુત્રીઅોની છાતીમાં ગોળી મારી હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ સંબંધીઅોને પણ તેણે જાણ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ રશિયન રિવોલ્વરથી તેઅોઅે પરિવારના સભ્યોની હત્યા કરી છે.

વસ્ત્રાપુર પોલીસે ધર્મેશભાઇની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. સ્થાનિક ટાવરના રહીશોના જણાવ્યા મુજબ ધર્મેશભાઇનો સ્વભાવ સારો હતો. ટાવરમાં કોઇ પણ વ્યક્તિને કોઇ પણ સમયે મદદરૂપ બનતા હતા. યુવાન પુત્રી અને પત્નીની હત્યાને લઇ સ્થાનિક રહીશો પણ અચંબામાં પડી ગયા હતા.

You might also like