લગ્નના એક અઠવા‌િડયા પહેલાં યુવકની ભેદી રીતે લટકતી લાશ મળી

અમદાવાદ: શહેરના સરસપુર વિસ્તારમાં આવેલ વિક્રમ મિલ કમ્પાઉન્ડમાં ગઇ કાલે ધોળા દિવસે એક યુવકની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. અસારવા વિસ્તારમાં આવેલ ચંદનનગર સોસાયટીમાં રહેતા ૧૯ વર્ષીય શૈલેશ ઇશ્વરભાઇ પટણીની ગઇ કાલે સરસપુર વિસ્તારમાં આવેલી વિક્રમ મિલ કમ્પાઉન્ડમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

શૈલેશના કાકા રાજુભાઇએ જણાવ્યું છે કે શૈલેશ તેની વિધવા માતા સવિતાબહેન સાથે રહે છે. દોઢ વર્ષ પહેલાં પાટણમાં રહેતી યુવતી સાથે તેની સગાઇ થઇ હતી. શૈલેશનાં આવતા અઠવા‌િડયામાં લગ્ન હોવાથી તેની માતા પાટણ યુવતીના ઘરે ગઇ હતી. ર‌િવવારથી શૈલેશ પણ તેના ઘરે નહીં આવતાં તેનાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

ગઇ કાલે બપોરે ગોમતીપુર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે શૈલેશે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. રાજુભાઇના જણાવ્યા અનુસાર શૈલેશને દારૂ પીવાનું કે બીજું કોઇ વ્યસન હતું નહીં. લગ્નને લઇ તે ખુશ રહેતો હતો ત્યારે તે આત્મહત્યા કરી જ ના શકે.

તેની હત્યા કરીને તેને લટકાવી દેવામાં આવ્યો છે. ગોમતીપુર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ત્યારે બીજી બાજુમાં રાજુભાઇ સહિત પરિવારજનોએ શૈલેશની લાશ લેવાનો ઇનકાર કરી દીધો છે. તેમની માગ છે કે જ્યાં સુધી પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ શરૂ નહીં કરે ત્યાં સુધી અમે લાશને નહીં સ્વીકારીએ.

You might also like