પ્રેમલગ્ન મામલે બે જૂથો વચ્ચે હિંસક અથડામણઃ પથ્થરમારો અને આગચંપી

અમદાવાદ: કડી તાલુકાના વડુ ગામમાં મોડી રાત્રે પ્રેમલગ્ન મામલે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા તંગદિલી છવાઇ હતી. તોફાને ચડેલા ટોળાંએ સામ સામે આવી જઇ ભારે પથ્થરમારો તેમજ હુમલા કરી બે દુકાનોને આગ ચાંપતા ભારે નાસભાગ મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે કડી તાલુકના વડુ ગામમાં અગાઉ થયેલા પ્રેમલગ્ન બાબતે બારોટ અને ઠાકોરોના જૂથ વચ્ચે અદાવત ચાલતી હતી. આ અદાવતના કારણે ગઇ મોડી રાત્રે બંને જૂથોએ આમને-સામને આવી જઇ એકાબીજા પર હુમલા કરી પથ્થરમારો કરી બે દુકાનોને આગ ચાંપતા ભારે અફરાતફરી મચી ગઇ હતી અને આખા ગામમાં ભયની લાગણી પ્રસરી ગઇ હતી.

આ બનાવમાં ગંભીર ઇજા પામેલી ચાર વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે તાત્કાલીક પહોંચી જઇ ગામમાં કડક પોલીસ જાપ્તો ગોઠવી પેટ્રોલિંગ શરૂ કરી દીધું.

You might also like