વિવિધ કઠોળના લોટના ભાવે પણ સેન્ચુરી પાર કરી

અમદાવાદ: છેલ્લા કેટલાક મહિનાથી કઠોળના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. મગ, મસુર, અડદ, ચણા વગેરેની દાળના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે અને તેના પગલે આ દાળના લોટના ભાવ પણ વધી ગયા છે. છેલ્લા એક જ મહિનામાં વિવિધ કઠોળના લોટના ભાવમાં ૧૦થી ૨૦ રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે.

મસૂરનો ભાવ હાલ ૧૦૦ રૂપિયા જોવા મળી રહ્યો છે, જ્યારે મસૂરની દાળના લોટનો ભાવ ૧૫૦ રૂપિયા પ્રતિકિલો ચાલી રહ્યો છે. મગનો ભાવ ૧૦૦ રૂપિયે જોવાયો છે, જેની સામે મગના લોટનો ભાવ ૧૫૦ રૂપિયે પ્રતિકિલોના ભાવે વેચાઇ રહ્યો છે. એ જ પ્રમાણે મઠના લોટનો ભાવ સ્થાનિક બજારમાં ૧૪૦ રૂપિયે જોવા મળી રહ્યો છે. અડદની દાળનો ભાવ સ્થાનિક બજારમાં ૧૭૦થી ૧૮૦ રૂપિયે પ્રતિકિલો જોવાયો છે, જ્યારે અડદનો લોટ ૨૦૦ રૂપિયે વેચાઇ રહ્યો છે.

સ્થાનિક ફ્લોર મિલ્સના એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ઘઉં સહિત વિવિધ કઠોળના ભાવમાં જોવા મળેલા ઉછાળાના પગલે સ્થાનિક ફ્લોર મિલોએ પણ ભાવ વધારવાની ફરજ પડી છે.

ઊંચી ક્વોલિટીના ઘઉંના લોટના ભાવ વધ્યા
ઘઉંની સિઝન હજુ હમણા જ પૂરી થઇ છે તેમ છતાં પણ ઊંચી ક્વોલિટીના ઘઉંના સ્ટોકમાં પ્રવર્તતી અછતના પગલે દાઉદખાની ઘઉંના લોટના ભાવમાં રૂ. ૨થી ૩નો છેલ્લાં બે સપ્તાહમાં ઉછાળો નોંધાયો છે. અગાઉ ૩૫થી ૩૭ રૂપિયે દાઉદખાની ઘઉંના લોટનો ભાવ હતો તે હાલ વધીને ૪૦થી ૪૨ રૂપિયે પહોંચી ગયો છે.

વિવિધ કઠોળના લોટનો ભાવ
                   કઠોળ (રૂ.)           લોટ (રૂ.)
મગ              ૧૦૦-૧૧૦            ૧૪૦-૧૫૦
અડદ            ૧૭૦-૧૮૦          ૨૦૦-૨૧૦
મસૂર            ૧૦૦-૧૧૦           ૧૫૦-૧૬૦
ચણા દાળ      ૯૦-૧૦૦           ૧૦૦-૧૧૦
ચોળાફળી       ૧૨૦-૧૩૦
બાજરી            ૨૮-૩૨
મેંદો                ૩૦-૩૨

You might also like