૪૦ લાખની ટૂથપેસ્ટ ભરેલી ટ્રક લૂંટનાર યુપીની ગેંગ ઝડપાઈ

અમદાવાદ: સાણંદ-વીરમગામ હાઇવે પર રૂ.૪૦ લાખની કોલગેટ ટૂથપેસ્ટનો જથ્થો ભરેલી ટ્રકની લૂંટ કરનાર ગેંગની અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લીધી છે. પોલીસે કોલગેટ પેસ્ટ અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ર૬ ઓકટોબરના રોજ સાણંદ-વીરમગામ હાઇવે પરથી રૂ.૪૦ લાખની કોલગેટ પેસ્ટ ભરેલી ટ્રકની તવેરા કારમાં આવેલા છ ઇસમોએ ડ્રાઇવરને માર મારી લૂંટ ચલાવી હતી. ડ્રાઇવરને નવસારી નજીક છોડી લુંટારુુઓ ફરાર થઇ ગયા હતા. આ અંગે સાણંદ જીઆઇડીસી પોલીસ તેમજ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન લૂંટ થયેલી ટ્રક બિનવારસી હાલતમાં માળિયા મિયાણા પાસેથી મળી આવી હતી. એસઓજીના પીએસઆઇ વી.એમ. કોલાદરા તેમજ એલસીબીના પીએસઆઇ આઇ.એમ. ઝાલા સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે બાતમીના આધારે મહંમદ ઇમરાન ફયાઝુદ્દીન ખાન, ગ્યાસુદ્દીન શેખ, અબ્દુલ્લાખાન, મહંમદ અશરફ કુરેશી, ઝાયેદખાન (તમામ રહે.જિલ્લાે પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડયા હતા. તમામ આરોપીઓની પૂછપરછ કરતાં મુંબઇથી તવેરા કારની ચોરી કરીને અગાઉથી રેકી કર્યા મુજબ કોલગેટ પેસ્ટ ભરેલી ટ્રકની તેઓએ લૂંટ કરી હતી. ટ્રકને જામનગરના કિશોર રાદડિયા નામના યુવકના ગોડાઉનમાં ખાલી કરી દેવાઇ હતી. બાદમાં ટ્રકને માળિયા મિયાણા ખાતે બિનવારસી મૂકી દીધી હતી.

પોલીસના જણાવ્યા મુજબ તમામ આરોપીઓ અગાઉ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ કરતા હતા જેથી હાઇવે પર મોટા પ્રમાણમાં લઇ જવાતા માલસામાનની તમામ ટ્રકોની માહિતી તેઓ પાસે હતી. અગાઉથી પ્લાન બનાવી મુંબઇથી કારની ચોરી કરતા હતા. હાઇવે પર ટ્રકની લૂંટ કરી મુદ્દામાલ અન્યત્ર છુપાવી લૂંટમાં વપરાયેલી કારને મુંબઇ ખાતેે વેચી દેતા હતા.

You might also like