આતંકના ગઢ અનંતનાગમાં મતદાન: મહેબૂબા મુફ્તી સહિત કુલ ૧૮ ઉમેદવાર મેદાનમાં

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનાં મતદાન હેઠળ અનંતનાગ સંસદીય બેઠક માટે મતદાન જારી છે. અલગતાવાદીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવ્યું હોવાથી સવારે બહુ ઓછી સંખ્યામાં લોકો મતદાન કરવા આવ્યા હતા.

આનંતનાગની બેઠક રાજ્યની અતિસંવેદનશીલ બેઠકોમાંની એક છે અને આ કારણસર કડક સુરક્ષા જાપ્તા વચ્ચે આ એક માત્ર એવી બેઠક છે કે જેનું ત્રણ તબક્કા (ત્રીજા, ચોથા, પાંચ)માં મતદાન યોજાઈ રહ્યું છે. આ બેઠક પર પીડીપીના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી સહિત કુલ ૧૮ ઉમેદવાર મેદાનમાં છે.

આજે સવારે શરૂ થયેલા મતદાનમાં ભારે સુસ્તી જોવા મળી હતી. અનંતનાગમાં સવારે ૯.૦૦ વાગ્યા સુધી માત્ર ૧.૫૫ ટકા જ મતદાન થયું હતું. અનંતનાગના ખાનબલમાં ગવર્નમેન્ટ હાયર સિનિયર સેકન્ડરી સ્કૂલમાં પોલિંગ બૂથ પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં અનંતનાગ જિલ્લાની માત્ર છ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ એક માત્ર એવી સંસદીય બેઠક છે જેના પર ત્રણ તબક્કામાં મતદાન યોજાશે.

હવે ૨૯ એપ્રિલે કુલગામ અને ૬ઠ્ઠી મેના રોજ શોપિયા અને પુલવામાં જિલ્લામાં મતદાન યોજાશે. આ બેઠક પર મહેબૂબા મુફ્તીની પ્રતિષ્ઠા દાવ પર છે.

You might also like