બાબરી ધ્વંસની 26મી વરસીએ અયોધ્યામાં તંગ પરિસ્થિતિ: કિલ્લેબંધી વચ્ચે પણ લોકો ફફડ્યા

અયોધ્યાઃ ૬ ડિસેમ્બર, ૧૯૯રના દિવસે અયોધ્યામાં થયેલા બાબરી મસ્જિદ વિધ્વંસને આજે ર૬ વર્ષ પૂરાં થયાં છે ત્યારે રામમંદિર નિર્માણની ઉગ્ર બનતી જતી માગણી વચ્ચે કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. ર૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો અને સાધુ-સંતો ફરી એક વખત રામમંદિર નિર્માણના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર સતત દબાણ વધારી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા અયોધ્યાના કારસેવક ભવનમાં ‘શૌર્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ મુસ્લિમ સમુદાયના લોકોએ ઈકબાલ અન્સારીના ઘર પર એકઠા થઈને ‘કાળો દિવસ’ મનાવ્યો હતો.

બાબરી ધ્વંસની ર૬મી વરસીને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. અયોધ્યા ઉપરાંત તમામ જિલ્લામાં સુરક્ષાની કડક કિલ્લેબંધી ગોઠવવામાં આવી છે. આમ છતાં પણ મોટા ભાગના લોકો ડરીને ઘરની અંદર જ રહ્યા હતા અને બહાર નીકળવાનું ટાળ્યું હતું.

અયોધ્યામાં આજે પીએસીની ૬ કંપની, આરએએફની બે કંપની ઉપરાંત ચાર એડિશનલ એસપી, ૧૦ ડેપ્યુટી એસપી, ૧૦ ઈન્સ્પેક્ટર, ૧પ૦ પીએસઆઈ અને પ૦૦ કોન્સ્ટેબલ તહેનાત કરવામાં આવ્યા છે. હાઈરાઈઝ બિલ્ડિંગની છત પર ખાસ સ્નાઈપર મૂકવામાં આવ્યા છે. શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ પર બેરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યા છે અને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં કલમ-૧૪૪ લાગુ પાડી દેવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને શિવસેનાએ અયોધ્યા ઉપરાંત રાજધાની ‌દિલ્હી સહિત અનેક સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ તમામ કાર્યક્રમો પર તપાસ એજન્સીઓ અને પોલીસ સતત નજર રાખી રહ્યા છે. ડીજીપી હેડક્વાર્ટરથી ર૪ કલાક સુધી તમામ મોટી ઘટનાઓ અને કાર્યક્રમોનું મોનિટરિંગ કરવામાં આવશે.

આજથી ર૬ વર્ષ પહેલાં અયોધ્યામાં ૬ ડિસેમ્બરે લાખો કારસેવકો ઊમટ્યા હતા અને તેમણે ફક્ત પાંચ કલાકમાં જ બાબરી મસ્જિદનો ઢાંચો ધ્વંસ કરી દીધો હતો. આ ઘટના બાદ સમગ્ર દેશમાં કોમી હિંસા ફાટી નીકળી હતી અને આ હુલ્લડોમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

પોલીસ અધિકારીઓ હાલ અયોધ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના નેતાઓ અને વડીલોને મળીને કોમી એખલાસ જળવાઈ રહે તે માટે આજે કોઈ ઉશ્કેરણીજનક કે ઉગ્ર કાર્યક્રમ કે નિવેદનો ન આપવા સમજાવી રહ્યા છે.

You might also like