Ahmedabadના રસ્તા પર રખડતાં ઢોર પર હવે ‘ટેગ’ લાગશે

અમદાવાદ: શહેરના રસ્તા પર અઠે દ્વારકા કરીને અડ્ડો જમાવતાં રખડતાં ઢોરનાં કારણે વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે. કેટલાક કિસ્સામાં તો નિર્દોષોએ પ્રાણ ગુમાવ્યા છે.

બીજી તરફ હાઈકોર્ટમાં પણ રખડતાં ઢોરનો પ્રશ્ન સંવેદનશીલ બન્યો હોઈ મ્યુનિસિપલ સત્તાવાળાઓની આકરા શબ્દોમાં ઝાટકણી કઢાય છે. જેના કારણે તંત્ર દ્વારા રખડતાં ઢોરનું ટેગિંગ કરવાની દિશામાં ચક્ર ગતિમાન કરાય છે.

જોકે તંત્ર પાસે શહેરમાં રખડતાં ઢોરની અંદાજિત કુલ સંખ્યા પણ નથી. અત્યાર સુધી જેટલાં પણ ઢોર પકડાય છે તેના શિંગડાં પર કલર માર્કિંગ કરીને રજિસ્ટ્રેશન કરાય છે, પરંતુ પ્રથમવાર તંત્ર ઢોરનું ટેગિંગ કરવા જઈ રહ્યું છે.

આધારભૂત વર્તુળો કહે છે, તંત્ર દ્વારા ટેગિંગ પદ્ધતિ હેઠળ ડબામાં પૂરાતાં રખડતાં ઢોરના કાનમાં ફાઈબર અથવા ધાતુનું ટેગ લગાડાશે. ઢોરને લગાવનારા ટેગમાં આંકડાકીય માહિતી દર્શાવાશે. જેના આધારે નજીકના ભવિષ્યમાં શહેરના કુલ રખડતાં ઢોરની સંખ્યા જાણી શકાશે. મ્યુનિસપલ સત્તાધીશો રખડતાં ઢોરને ટેગ લગાવ્યા બાદ તેના માલિકની માહિતી કમ્પ્યૂટરમાં નોંધશે.

અત્યાર સુધી શહેરમાં ઢોર પકડવા માટે ત્રણ ટીમ કાર્યરત હતી, પરંતુ હવે ચોથી ટીમ પણ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત રખડતાં ઢોરને પકડવાની કામગીરી ખાનગી એજન્સીને સુપરત કરવાની દિશામાં પણ ચક્ર ગતિમાન કરાયાં છે. દરમિયાન રખડતાં ઢોરને લગતો હાલનો દંડ ખોરાકી તથા વહીવટી ચાર્જને બમણો કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

You might also like