ચાંદલોડિયાબ્રિજ નીચે માથામાં પથ્થરના ઘા ઝીંકી યુવકની હત્યા

અમદાવાદ: શહેરના ચાંદલોડિયાબ્રિજ નીચે ગત મોડી રાતે અજાણ્યા યુવકની માથામાં પથ્થર ઝીંકી હત્યા કરી દેવાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને જાણ કરાતાં સોલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે ચાંદલોડિયાબ્રિજ નીચે વહાણવટી માતાજીના મંદિર પાસે એક યુવકની લાશ પડી છે. મેસેજના પગલે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તપાસ કરતાં આશરે ર૦ થી રપ વર્ષની ઉંમરના યુવકના માથામાં પથ્થર મારીને હત્યા કરવામાં આવી હતી. મંદિરના સમયે આવેલી કીટલી જેવી જગ્યાએ મોડી રાતે કોઈ શખ્સે આ યુવકની હત્યા કરી નાખી હતી.

રેલવે પાટાની નજીકમાં જ હત્યા કરવામાં આવતાં સોલા પોલીસે બ્રિજની નીચે આવતાં-જતાં તમામ અસામાજિક તત્ત્વોની તપાસ શરૂ કરી છે. આ લખાય છે ત્યાં સુધી મૃતકની ઓળખ થઇ શકી નથી. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરતાં મૃતક યુવક બ્રિજની નીચે જ આવતો-જતો હતો અને માનસિક રીતે અસ્થિર મગજનો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

બ્રિજની નીચે અનેક અસામાજિક તત્ત્વો, દારૂડિયા અને પાવડારિયા લોકોની અવરજવર રહેતી હોય છે, જેથી તેઓએ કોઈ અદાવતને લઈ અથવા પૈસા માટે યુવકની હત્યા કરી હોઈ શકે, જોકે મૃતક યુવકને કોઈ સાથે ઝઘડો થયો હોય અને તેની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા પોલીસને લાગી રહી છે.

ફરી એક વાર રેલવેના બ્રિજ નીચે હત્યાનો બનાવ બનતાં રેલવે અને સ્થાનિક પોલીસે બ્રિજની નીચે આવતાં-જતાં અસામાજિક તત્ત્વો અને દારૂડિયા લોકોને ઝડપી તેમની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. બ્રિજ નીચે સતત પેટ્રોલિંગ કરવામાં આવે તો કદાચ આવા બનાવ બનતા અટકાવી શકાય. સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાલ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

You might also like