ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ છે. જોકે તા. ૨૬ અને તા. ૨૭ જાન્યુઆરી એટલે કે શનિ-રવિની રજાના દિવસોએ તંત્ર દ્વારા હાલની રૂ. દશની એન્ટ્રી ફીમાં વધારો કરીને રૂ. ૫૦ કરાયો છે. જોકે ગયા શનિવાર-રવિવારે જે પ્રકારે ફ્લાવર શોમાં અંધાધૂંધી ફેલાઈને તંત્રનો વ્યવસ્થાના મામલે લોકોમાં ભારે ફજેતો થયો હતો. તેવું હવે ન થાય તે માટે ખાસ કરીને ટ્રાફિક મેનેજમેન્ટના મામલે સત્તાવાળાઓએ આગોતરા આયોજનના ભાગરૂપે નાગરિકો માટે નવી બે જગ્યાએ વધારાના ૩૦૦૦ વાહનના પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

અત્યારે ફલાવર શો માટે ઈવેન્ટ સેન્ટરની સામેના પ્લોટનો વાહન પાર્કિંગ હેતુ ઉપયોગ થાય છે. જેમાં ૪૫૦૦ વાહનનું પાર્કિંગ થઈ શકે છે. લોકોને લગ્ન વગેરે માંગલિક પ્રસંગોનું બુકિંગના કારણે ઈવેન્ટ સેન્ટરનો લાભ મળવાનો નથી. ઉપરથી ઈવેન્ટ સેન્ટરની સામેના પ્લોટમાં તે દિવસે સાંજે યોજાનારા લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેનારાઓની ગાડીનાં પાર્કિંગનો વધારાનો બોજો પડવાનો છે.

જેના કારણે તંત્રે એનઆઈડીની પાછળના રિવરફ્રન્ટના પ્લોટમાં તેમજ ટાગોર હોલના પાર્કિંગમાં ફલાવર શોના મુલાકાતીઓના વાહન પાર્ક કરી શકાય તે દિશામાં પ્રયાસ હાથ ધર્યો છે. આ બંને જગ્યાએ કુલ ૩૦૦૦ વાહન પાર્ક થઈ શકે તેમ હોઈ શનિ, રવિએ ભારે ભીડથી થનારી વાહન પાર્કિંગની સમસ્યાનુંં નિરાકરણ આવશે તેવો સત્તાવાળાઓએ દાવો કર્યો છે.

આ ઉપરાંત શનિ-રવિએ અત્યારની ૧૬ ટિકિટ બારીને બદલે વધારાની સાત મળીને કુલ ૨૩ ટિકિટ ટિકિટ બારી ખોલીને મુલાકાતીઓને ટિકિટ લેવામાં રાહત અપાશે. ગયા રવિવારે ફ્લાવર શો વખતે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. આગામી શનિ-રવિએ તેના પર અંકુશ મુકવા ૩૦ સિક્યોરિટી ગાર્ડ ઉપરાંત મ્યુનિસિપલ બાગ-બગીચા વિભાગના ૨૦ કર્મચારી ફરજ બજાવશે.આ ઉપરાંત મુલાકાતીઓને એનઆઈડીથી વલ્લભ સદન સુધી મફત પ્રવાસ કરાવતી ૨૦ એએમટીએસ તંત્ર દ્વારા મુકાઈ છે. જેમાં પણ શનિ-રવિએ વધારાની ૧૦થી ૧૫ બસ ઉમેરાશે.

You might also like