કોલંબો એરપોર્ટ નજીકથી છ ફૂટ લાંબો પાઈપ બોમ્બ મળી આવ્યો: એરફોર્સે ડિફ્યૂઝ કર્યો

શ્રીલંકામાં રવિવારે ચર્ચ અને હોટલોમાં, સિરિયલ બ્લાસ્ટ બાદ પોલીસને કોલંબો એરપોર્ટ નજીકથી એક શક્તિશાળી પાઈપ બોમ્બ મળી આવ્યો હતો. છ ફૂટ લાંબા આ પાઈપ બોમ્બને એરફોર્સના અધિકારીઓએ સફળતાપૂર્વક ડિફ્યૂઝ કર્યો હતો. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે મોડી રાતે સુરક્ષાનાં કારણસર કેટલાંક અગત્યનાં મુખ્ય સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને એરપોર્ટ ટર્મિનલ જવાના રસ્તા પરથી આ દેશી પાઈપ બોમ્બ મળી આવ્યો હતો. આ પાઈપમાં છેક ઉપર સુધી દારૂગોળો (વિસ્ફોટક) ભરવામાં આવ્યો હતો એ વાતથી જ અંદાજ લગાવી શકાય છે કે આ બોમ્બ કેટલો ખતરનાક હતો.

એરફોર્સના પ્રવક્તા ગ્રૂપ કેપ્ટન ગિહાન સેનેવિરત્નેએ જણાવ્યું કે આઈઈડી સ્થાનિક સ્તર પર બનાવવામાં આવી હતી. બોમ્બ મળ્યા બાદ એરપોર્ટ પર જનારા લોકોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાની એરલાઈન કંપનીઓએ પણ કડક સુરક્ષાવ્યવસ્થા અને સઘન ચેકિંગના કારણે યાત્રીઓને ફ્લાઈટ ઉડાન ભરે તેના ચાર કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચી જવાના આદેશો જારી કર્યા છે.

શ્રીલંકામાં ઈસ્ટર પર્વની ઉજવણી પર જ ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત આઠ સ્થળોએ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટમાં ૩૩ વિદેશી નાગરિકો સહિત કુલ ર૯૦ લોકોનાં મોત થયાં છે, જેમાં ચાર ભારતીય પણ સામેલ છે. આ બ્લાસ્ટમાં પ૦૦થી વધુ લોકોને ઈજાઓ થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુનો આંકડો હજુ પણ વધી શકે છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ મામલે અત્યાર સુધીમાં શંકાના આધારે ર૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શરૂઆતના છ બ્લાસ્ટ લગભગ એક જ સમયે સવારના ૮.૪પ વાગ્યે થયા હતા. બાકીના બે બ્લાસ્ટ બપોરે ર.૦૦થી ર.૩૦ કલાક વચ્ચે કોલંબોમાં થયા હતા.

શ્રીલંકામાં થયેલા ‌િસરિયલ બ્લાસ્ટની જવાબદારી હજુ સુધી કોઈ આતંકી સંગઠને લીધી નથી, પરંતુ શ્રીલંકન પોલીસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે નેશનલ તૌહીદ જમાત સંગઠનનું નામ સામે આવી રહ્યું છે. આ એક ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન છે. આ જૂથ તામિલનાડુમાં પણ સક્રિય હોવાનું બહાર આવ્યું છે.

શ્રીલંકાના મુખ્ય પોલીસ અધિકારીએ ૧૦ દિવસ પહેલાં જ એલર્ટ જારી કર્યું હતું કે દેશભરનાં મુખ્ય ચર્ચમાં આતંકીઓ બ્લાસ્ટ કરી શકે છે. ‌િસનિયર અધિકારીઓને આ ચેતવણી પોલીસ ચીફ પૂજુથ જયસુંદ્રાએ ૧૧ એપ્રિલે આપી હતી. એલર્ટમાં જયસુંદ્રાએ જણાવ્યું હતું કે વિદેશી ગુપ્તચર વિભાગે જાણકારી આપી છે કે નેશનલ તૌહીદ જમાત નામનું સંગઠન આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યું છે.

નેશનલ તૌ‌હીદ જમાત શ્રીલંકાનું એક મુસ્લિમ કટ્ટરવાદી સંગઠન છે. વર્ષ ર૦૧૪માં જ્યારે આ સંગઠનના સચિવ અબ્દુલ રૈજિકે બોદ્ધ ધર્મ વિરુદ્ધ વાંધાજનક નિવેદનો આપ્યાં હતાં ત્યારે આ સંગઠન પહેલી વખત ચર્ચામાં આવ્યું હતું. આ સંગઠન પર વહાબી વિચારધારાનાે પ્રચાર-પ્રસાર કરવાનો પણ આરોપ છે. ગયા વર્ષે આ સંગઠને ભગવાન બુદ્ધની મૂર્તિઓ તોડી નાખી હતી. તામિલનાડુમાં પણ આ સંગઠનના અનેક સભ્ય સક્રિય છે.

You might also like