મોરબીના રવાપર રોડ પર ઉદ્યોગપતિનાં સાત વર્ષનાં પુત્રનું અપહરણ પોલીસે કલાકમાં જ બાળકને મુક્ત કરાવ્યું

અમદાવાદ: મોરબીના રવાપર રોડ પર આવેલી જનતા સોસાયટીના બસ સ્ટેન્ડ નજીકથી આજે સવારે ઉદ્યોગપતિના ૭ વર્ષના પુત્રનું અપહરણ થતાં સનસનાટી મચી ગઇ હતી. જોકે પોલીસે ત્વરીત પગલાં ભરી એક કલાકમાં જ અપહરણકારોની ચુંગાલમાંથી બાળકને મુક્ત કરાવી બે શખસોને ઝડપી લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે મોરબીના રવાપર રોડ પર આવેલી જનતા સોસાયટીમાં રહેતા અને સિરામીકના ઉદ્યોગ સાથે સંકળાયેલા જીગ્નેશભાઇ પાડલીયાના ૭ વર્ષના પુત્ર દેવને આજે સવારે સ્કૂલ જવાનું હોય જીગ્નેશભાઇના પત્ની દેવને લઇને સોસાયટી નજીક આવેલા બસ સ્ટેન્ડ પર ઊભા હતા ત્યારે આશરે સવારે ૭ વાગ્યાના સુમારે બાઇક પર પુરઝડપે આવી રહેલા બે શખસો માતા પાસે ઊભેલા દેવને ઉઠાવી પળવારમાં પલાયન થઇ ગયા હતા. માતાએ બૂમાબૂમ કરતા લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયા હતા.

બસસ્ટેન્ડ નજીક સીસીટીવી કેમેરા લગાવેલા હોવાથી પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને જુદી જુદી ટીમો બનાવી ચોતરફ નાકાબંધી અને વાહનચેકિંગ શરૂ કર્યું હતું. બંને અપહરણકારો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હોઇ પોલીસે રફાળેશ્વર ચોકડી પાસે બંને આરોપીઓને આબાદ ઝડપી લઇ બાળકને મુક્ત કરાવ્યું હતું. આ બાળકનું અપહરણ ખંડણી વસુલવા માટે થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે, પોલીસે ગુનો દાખલ કરેલ છે.

You might also like