દિવ્યાંગો માટે રેલવે સ્ટેશન પર બનશે અલગ ટિકિટ વિન્ડો

અમદાવાદ: અમદાવાદ રેલવે ડિવિઝનમાં સ્ટેશનો પર જુદા જુદા પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી તે પૈકી હવે ડિવિઝનના મોટાભાગનાં રેલવે સ્ટેશનો પર દિવ્યાંગો માટે અલગ ટિકિટ વિન્ડો બનાવવામાં આવશે. જેના કારણે દિવ્યાંગો ઝડપભેર તેમની ટિકિટ લઈ સરળતાથી મુસાફરી કરી શકશે. સાબરમતી, નડિયાદ, આણંદ, મણિનગર સહિતનાં સ્ટેશનો પર આ સુવિધા આગામી ૧૫ દિવસમાં સુવિધા ઊભી કરાશે.

વીરમગામ, પાલનપુર, ગાંધીગ્રામ, ભચાઉ, મહેસાણા સહિતનાં તમામ સ્ટેશનો પર અલગ ટિકિટ વિન્ડોની સુવિધા ઊભી કરાશે. એટલું જ નહીં દષ્ટિહીન એટલે કે (અંધજન) મુસાફરો માટે કોઈ એક વ્યક્તિની માર્ગદર્શક તરીકે નિમણૂક કરાશે.

રાજ્યના તમામ ઈ અને એફ કેટેગરીનાં રેલવે સ્ટેશનો ઉપર દિવ્યાંગોને સ્ટેશને પહોંચવા માટે અલગ ડ્રોપ ઓફ ઝોન બનાવવામાં આવશે અને તેમના માટે અલગ પાર્કિંગની સુવિધા પણ કરવામાં આવશે. આઈઆરસીટી દ્વારા આ યોજના મંજૂર કરવામાં આવતા હવે દરેક દિવ્યાંગ મુસાફરોને સ્પેશિયલ સુવિધાઓ મળવાનું ટૂંક સમયમાં શરૂ કરાશે.

અમદાવાદ સહિતનાં રેલવે સ્ટેશન પર રોજનાં હજારો વાહનો પાર્ક થાય છે. અમદાવાદ રેલવે સ્ટેશન કે મણિનગર, સાબરમતી, નડિયાદ, આણંદ, મહેસાણા કોઈપણ સ્થળે દિવ્યાંગો માટે અલગ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી હવે દિવ્યાંગો માટે અલગ પાર્ક બનશે.

અમદાવાદ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ ૧, ૨ પૈકી સરસપુર તરફ એક અને કાલુપુર તરફ ૨ એમ કુલ ૩ રેમ્પ છે. રેલવે સ્ટેશન પર દિવ્યાંગો માટે અલગ લિફ્ટ નથી પણ તેમને લગેજ લિફ્ટમાં વ્હીલ ચેર સાથે જવાની છૂટ છે.

પ્લેટફોર્મ નં. ૧ ઉપર દિવ્યાંગો માટે અલગ ટોઈલેટ છે પરંતુ અન્ય પ્લેટફોર્મ પર આ સુવિધા નથી. મુંબઈ સ્થિત કચેરીમાંથી સુવિધાઓ મંજૂર કરવામાં આવી છે તેથી આગામી ૧૫ દિવસમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરવાવાશે. તેવું રેલવે તંત્રનાં સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like