સબસિડીવાળું 300નું ખાતર થેલી બદલીને રૂ.1500માં વેચવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ: માતર તાલુકાના હાટકેશ્વરપુરા ગામની સીમમાં આવેલા એક ગોડાઉનમાંથી ખેડૂતોને આપવા માટેના રૂ.૩૦૦ના સબસિડીવાળા યુરિયા તથા પોટાશ ખાતરનું કોર્મશિયલ બેગમાં રિપેકિંગ કરી પાંચ ગણા રૂ.૧પ૦૦ના ભાવે વેચાણ કરવાના કૌંભાડનો અમદાવાદ આર.આર.સેલની ટીમે પર્દાફાશ કરી રૂ. ર૬.૪૭ લાખનો મુદ્દામાલ કબજે લઇ ફાર્મ હાઉસ ભાડે રાખનાર અમદાવાદના શખ્સની અટકાયત કરી છે.

અમદાવાદ- વડોદરા નેશનલ હાઇવે નંબર 8 ઉપર માતર તાલુકાના હાટકેશ્વરપુરા ગામની સીમમાં આવેલ સંજયભાઇ હરિભાઇ પટેલના પરિશ્રમ ફાર્મ હાઉસના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડતાં ખેડૂતોને આપવા માટેના સબસિડીવાળા ઇફ્કો, કૃભકો, આઇપીએલ માર્કાની ખાતરનું અન્ય ટેક્નિકલ ગ્રેડ યુરિયા તથા ખોરાસન નામના માર્કાની થેલીઓમાં રિપેકીંગ કરેલ યુરિયા તથા પોટાશ ખાતરની ખાતરની થેલીઓ મળી આવી હતી.

તપાસ દરમિયાન આ ગોડાઉન રાકેશ અશોકભાઇ જાનીને ભાડે આપ્યું હોવાનું બહાર આવ્યું હતું. દરોડા દરમિયાન મજુરો મારફતે યુરિયા, પોટાશ ખાતરની થેલીઓ ઉપરાંત રિપેકિંગ કરવાનું મશીન, એક મોબાઇલ ફોન તથા બે ટ્રક મળી કુલ રૂ.ર૬.પ૦ લાખનો મુદ્દામાલ કબજે લઇ મુખ્ય સૂત્રધાર રાકેશ જાનીની અટક કરી હતી.

You might also like