એક એવી ક્રાંતિ, જેમાંથી આઝાદીની મશાલ પ્રગટી

ભારત છોડો (ક્વિટ ઈન્ડિયા)ના નારા સાથે ૧૯૪રમાં ‘ઓગસ્ટ ક્રાંતિ’ની શરૂઆત થઈ હતી. આ આંદોલનમાં લગભગ તમામ સ્તરના લોકોએ ભાગ લીધો હતો. ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, નવયુવાનોની સાથે-સાથે વિભિન્ન વિચારધારાના લોકોએ આ ક્રાંતિમાં સક્રિય ભાગ લીધો અને પોતાનું બલિદાન પણ આપ્યું હતું. એ બીજા વિશ્વયુદ્ધનો સમય હતો અને લોકો માટે ખૂબ મુશ્કેલ સમય હતો.

બ્રિટિશ સરકારે તમામ પ્રકારના સખત કાયદાઓ થોપી દીધા હતા અને કોઈ પણ પ્રકારની રાજનૈતિક ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, પછી ભલે તે શાંતિપૂર્ણ રીતે કેમ ન ચાલતી હોય. આ તમામ અવરોધો છતાં પણ લોકોએ ભારે બહાદૂરીપૂર્વક આંદોલન ચલાવ્યું હતું.

આજે જ્યારે એવી ભાવના વિકસતી જાય છે કે લોકો વિરોધના સ્વરમાં સાથ નથી આપતા અને તેમનામાં રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં ઉદાસીનતા પ્રસરતી જાય છે ત્યારે આ આંદોલનનો સંદેશ આપણી અંદર એક નવી આશા જગાવી જાય છે. એ દર્શાવે છે કે લોકો જો એક વખત મનમાં નક્કી કરી લે તો તેઓ કોઈ પણ ઉદ્દેશ્ય માટે એક થઈ શકે છે.

બસ, તેમને એક યોગ્ય અને માર્ગદર્શન આપી શકે તેવા નેતૃત્વની જ જરૂર હોય છે. આ આંદોલન અત્યાચાર વિરુદ્ધ ઊભા થવાની અને લડવાની એક પરંપરાનો હિસ્સો છે. આજે એ માટે પણ આ આંદોલનની પ્રાસંગિકતા છે કે એ એવા તમામ વર્ગોને, લોકોને તાકાત આપે છે, જેમને આજે દબાવી દેવામાં આવે છે, કચડી નાખવામાં આવે છે અને જેઓ પોતાના હક અને અધિકારની લડાઈ લડી રહ્યા છે.

આખરે ‘ભારત છોડો’નો નારો આપવો એટલો જરૂરી કેમ બની ગયો હતો? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આંદોલન ચલાવવું કેમ યોગ્ય માનવામાં આવ્યું હતું, જ્યારે ભારતવાસીઓ અને રાષ્ટ્રીય આંદોલનની સહાનુભૂતિ બ્રિટન અને મિત્ર દેશો સાથે હતી, જે હિટલર અને મુસોલિનીના ફાસીવાદ અને સાઝીવાદ સામે લડી રહ્યા હતા? તેનાં ઘણાં કારણ હતાં.

એક મોટું કારણ હતું, અંગ્રેજ સરકારની એ નીતિ, જેણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના યુદ્ધમાં મદદના પ્રસ્તાવના ઠુકરાવીને ભારતને જબરદસ્તી બીજા વિશ્વયુદ્ધમાં ભાગીદાર બનાવી દીધું હતું. કોંગ્રેસનું કહેવું હતું કે ભારતીયોને સરકારમાં સામેલ કરીને તેમને પણ જવાબદારી આપવામાં આવે, પરંતુ અંગ્રેજોએ આ પ્રસ્તાવને ઠુકરાવીને બળજબરીપૂર્વક કામ કઢાવવાનું પસંદ કર્યું હતું.

એક અન્ય કારણ હતું દક્ષિણ-પૂર્વ એશિયામાં બ્રિટનનું વલણ. જ્યારે જાપાની સેના આ વિસ્તારના અનેક દેશો પર હુમલો કરી રહી હતી ત્યારે બ્રિટિશ શાસકો લડવાની અને સ્થાનિક જનતાની સુરક્ષા કરવાના બદલે ત્યાંથી નાસી છૂટ્યા હતા. હિન્દુસ્તાનીઓના મનમાં એવી શંકા ઉત્પન્ન થઈ હતી કે શું અંગ્રેજો ભારતમાં પણ કંઈક આવી જ ભાગેડુ રણનીતિ તો નહીં અપનાવે ને.

ગાંધીજીની ચિંતા પણ એ જ હતી કે અંગ્રેજોને હરાવીને જાપાની સરકાર ભારત પર પોતાનો કબજો ન જમાવી લે. આ વાતનો એક જ મજબૂત જવાબ તેઓ સમજતા હતા કે ભારતીય જનતામાં જોશ અને સંઘર્ષની ભાવના જાગે. આ માટે તેઓ આંદોલનના પક્ષમાં હતા. લોકોની નારાજગી પણ આ આંદોલનનું એક મુખ્ય કારણ હતી.

યુદ્ધના કારણે મોંઘવારી ખૂબ વધી ગઈ હતી અને જીવનજરૂરી ચીજવસ્તુઓની ઓચિંતી અછત સર્જાઈ હતી. દેશની આમ જનતામાં સરકાર વિરુદ્ધ છૂપો રોષ તો હતો જ, જે ધીમે ધીમે આ તમામ પ્રસંગોના કારણે જ્વાળામુખીમાં પરિવ‌િર્તત થતો જતો હતો.

આ આંદોલનની શરૂઆત માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યસમિતિની એક બેઠક બોમ્બે (હાલનું મુંબઈ)ના ગોવાળિયા ટેન્ક મેદાનમાં બોલાવવામાં આવી. ખુલ્લા અધિવેશનમાં નેતાઓએ હજારો લોકોને સંબધિત કર્યા. અહીં જ ગાંધીજીએ તેમનો મશહૂર મંત્ર ‘કરો યા મરો’ આપ્યો.

તેમણે લોકોને જણાવ્યું કે હું હજુ પણ વાઈસરોય સાથે વધુ એક વખત વાત કરીશ, પરંતુ અંગ્રેજ સરકાર રાહ જોવાના મૂડમાં નહોતી. ૯ ઓગસ્ટ, ૧૯૪રની સવારે અંગ્રેજ સરકારે અનેક જગ્યાએ દરોડા પાડ્યા અને કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓની ધરપકડ કરી. તેમને કોઈ ગુપ્ત સ્થાને મોકલી દેવામાં આવ્યા. આ કાર્યવાહીથી પણ જનતામાં ભારે રોષ ઊભો થયો.

આગામી છ-સાત સપ્તાહ સુધી આ આંદોલન ચાલ્યું. ઘણાં પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, રેલવે સ્ટેશન અને સરકારી કચેરીઓ પર હુમલા થયા. ઘણી જગ્યાઓ પર લોકોએ શાંતિપૂર્ણ રીતે સત્યાગ્રહ પણ કર્યો અને સામે ચાલીને ધરપકડ વહોરી.

‘ઓગસ્ટ ક્રાંતિ’નું એ પણ પરિણામ આવ્યું કે બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યાં અંગ્રેજોએ ભારત છોડવાની તૈયારીઓ શરૂ કરી દીધી. તેઓ સારી રીતે સમજી ગયા હતા કે હવે તેમની પાસે બિલકુલ સમય નથી. શિમલા કોન્ફરન્સ, કેબિનેટ મિશન, માઉન્ટબેટન યોજના, સંવિધાન સભા-આ બધું ‘ભારત છોડો’ આંદોલનના કારણે જ શક્ય બન્યું અને ૧પ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત એક આઝાદ દેશ બન્યો.

You might also like