‘એક સવાલ પૂછું તમને?’

'બસ, મને મન થયું, કે તમને એક સવાલ પૂછું. આ તો કદાચ તમારો મૂડ હોય અને તમને કદાચ એનો જવાબ ખબર પણ હોય, તો મને મારા સવાલનો જવાબ મળી જાય.'

‘એક સવાલ પૂછું તમને?’

‘ના’.

‘કેમ ના?’

‘બસ, એમ જ. મારો મૂડ નથી.’

‘હા, પણ સવાલ તો મારે પૂછવો છે. મારો મૂડ છે ને?’

‘તમે સવાલ પૂછો, એટલે મારે જવાબ આપવો પડે, ને જવાબ આપ્વાનો હમણાં મારો બિલકુલ મૂડ નથી એમ કહું છું.’

‘તે તમને જવાબ આપવાનું કોણ કહે છે? મેં તો ફક્ત એમ કહ્યું, કે તમને એક સવાલ પૂછું?’

‘તો એમ જવાબ વગરનો સવાલ પૂછીને તમે શું કરવાના?’

‘બસ, મને મન થયું, કે તમને એક સવાલ પૂછું. આ તો કદાચ તમારો મૂડ હોય અને તમને કદાચ એનો જવાબ ખબર પણ હોય, તો મને મારા સવાલનો જવાબ મળી જાય.’

‘મને કંઈ બધી વાતના જવાબ થોડા ખબર હોય?’

‘હા, પણ એ તમે સવાલ જાણ્યા વગર કઈ રીતે કહી શકો, કે તમને મારા સવાલનો જવાબ નથી ખબર?’

‘હા, એ પણ સાચું.’

‘તો પછી, હવે તમને સવાલ પૂછી શકાય?’

‘એ સવાલ બહુ જરૃરી છે?’

‘અં…જરૃરી તો નહીં, પણ યાદ આવ્યું તો હમણાં જ પૂછી લઉં. તમને હમણાં પૂછું તો કોઈ વાંધો છે?’

‘ના ના, વાંધો તો કંઈ નથી, પણ એમ થાય કે સવાલ કેવોક હશે? મને દુઃખી કરવાવાળો તો નહીં હોય ને?’

‘અરે, એ તમે શું બોલ્યા? હું તમને થોડો દુઃખી કરવાનો? મારે તો ફક્ત એક વાત જાણવી છે.’

‘હવે તમારે મારી કઈ વાત જાણવી હશે તે કેમ ખબર પડે?’

‘તમારી જ વાત એવું કોણે કહ્યું?’

‘એક સવાલ પૂછવામાં તો તમે બહુ સવાલો પૂછી કાઢ્યા ભાઈ!’

‘એટલે જ. તમે મને એક જ સવાલ પૂછવા દીધો હોત, તો આ બીજા સવાલો પાછળ-પાછળ ન જ આવત ને?’

‘એટલે, આટલા બધા સવાલો પછી પણ તમારે મને એક સવાલ પૂછવો છે?’

‘હા, તે એ સવાલ તો બાકી જ છે ને? પૂછું?’

‘કોણ જાણે કેમ, પણ મારું મન નથી માનતું.’

‘હવે એમાં મનને મનાવવાની શી જરૃર છે? ક્યાં એવો કોઈ ભારે કે અઘરો સવાલ છે, કે તમારું મન ન માને?’

‘તમારી અટપટી વાતો પરથી તો લાગે જ છે કે, તમારો સવાલ પણ એવો જ અટપટો હશે!’

‘તમે મારા સવાલથી જ માપી લેજો ને, કે સવાલ અટપટો છે કે ચટપટો?’

‘એટલે તમે મારો પીછો નહીં છોડવાના કેમ?’

‘આમાં પીછો કરવાની કે પીછો છોડવાની વાત જ નથી. તમે જ વાતને આડે પાટે લઈ જાઓ છો. આટલી વારમાં તો મારો સવાલ

પૂછાઈ પણ જાત.’

‘હું વાતને આડે પાટે લઈ જાઉં છું? મને એમ વાતને આડે પાટે લઈ જવાની, કે ઘુમાવી ફેરવીને કરવાની ટેવ જ નથી. હું ભલો ને મારું કામ ભલું.’

‘ઓહ્હો! હું ક્યાં તમને સવાલ પૂછવા તૈયાર થયો? ભૂલ થઈ ગઈ મારી.’

‘તમારી ભૂલ? નારે ના, ભૂલ તો મારી થઈ. તમને ક્યારની હા પાડી દીધી હોત, તો તમે સવાલ પૂછીને ક્યારનાય રવાના થઈ ગયા હોત. આમ ક્યારના મારો જીવ લો છો તેમ ના લેત.’

‘ઓહ! એટલે મેં તમારો જીવ લીધો એવું તમને લાગ્યું? માફ કરજો. મારો તો બિલકુલ એવો ઇરાદો નહોતો. મારે તો ફક્ત તમને એક સવાલ જ પૂછવો હતો, કે…’

‘જુઓ, પાછા તમે સવાલ પર જ આવીને અટકી ગયા. બોલો શું પૂછવું છે?’

‘એમ? એટલે હું તમને એક સવાલ પૂછી શકું? વાહ, આભાર તમારો.’

‘ચાલો હવે, પૂછો વહેલા. એમ પણ તમે આજે મારો બહુ સમય લઈ લીધો.’

‘મારે એ જાણવું છે, કે તમને ગુસ્સો ક્યારે આવે?’

——————————–.

You might also like