ગોમુખ ગ્લેશિયરનો એક ભાગ તૂટ્યો, ટુકડા ૧૮ કિમી દૂર ગંગોત્રીમાં જોવા મળ્યા

નવી દિલ્હી: ગોમુખ ગ્લેશિયરનો એક ભાગ તૂટીને ભગીરથી નદીમાં સમાઈ ગયો છે. તેની જાણ અે સમયે થઈ જ્યારે ગ્લેશિયરના ટુકડા અહીંથી ૧૮ કિલોમીટર દૂર ગંગોત્રીમાં ભગીરથીના પ્રવાહમાં જોવા મળ્યા. ગંગોત્રી નેશનલ પાર્ક અને પંડિત ગોવિંદ વલ્લભ પંત હિમાલય પર્યાવરણ અને વિકાસ સંસ્થા (જીબીપીઅાઈઅેચઈડી), અલ્મોડાના વૈજ્ઞાનિકોઅે ગોમુખ ગ્લેશિયરની એક ભાગ તૂટવાની વાતને સમર્થન અાપ્યું છે.

ગ્લેશિયર વૈજ્ઞાનિકો હાલમાં અોછી બરફ વર્ષાને તે તૂટવાનું કારણ માની રહ્યા છે. પરિસ્થિતિનો તાગ મેળવવા ગ્લેશિયર વૈજ્ઞાનિકોની એક ટીમ ગોમુખ મોકલવાની તૈયારી થઈ રહી છે. શનિવારે સાંજે ભગીરથી નદીના પ્રવાહમાં બરફના ટુકડા અાવતા જોઈને ગંગોત્રી નેશનલ પાર્કના અધિકારીઅોને ફાળ પડી હતી.

પાર્કના રેન્જ અધિકારી પ્રતાપસિંહ પવારે તાત્કાલિક ગોમુખ ક્ષેત્રના ભોજવાસામાં તહેનાત પાર્ક કર્મચારીઅો અને પંડિત ગોવિંદ વલ્લભ પંત હિમાલય પર્યાવરણ અને વિકાસ સંસ્થા તેમજ અલમોડાના વરિષ્ઠ વૈજ્ઞાનિકોનો સંપર્ક સાધ્યો. ત્યારે જાણવા મળ્યું કે ગોમુખ ગ્લેશિયરની ડાબી તરફનો એક ભાગ તૂટી ગયો છે.

તૂટેલા ગ્લેશિયરના ભાગનો અાકાર કેવો છે તેની હજુ જાણ થઈ નથી. અહીં ત્રણ વૈજ્ઞાનિકોની ટીમ ગોમુખ ગ્લેશિયરના અભ્યાસ માટે હાજર છે. ગ્લેશિયર તૂટ્યા બાદ ગંગોત્રી નેશનલ પાર્ક અને વૈજ્ઞાનિકોની ટીમ યોગ્ય અાંકડા અેકઠા કરવામાં લાગી છે. ગ્લેશિયર તૂટવાના કારણને લઈને સત્તાવાર રીતે કોઈ નિવેદન જારી કરાયું નથી પરંતુ તેને ક્લાઈમેટ ચેન્જમાં અને અોછી બરફ વર્ષા સાથે જોડીને જોવાઈ રહ્યું છે.

વરિષ્ઠ વૈજ્ઞાનિક કીર્તિકુમારનું કહેવું છે કે અા વર્ષે અોછી બરફ વર્ષા અને ક્લાઈમેટ ચેન્જને કારણે ગોમુખ ગ્લેશિયર મે મહિનામાં ઝડપથી પીગળવાની શરૂઅાત થઈ ચૂકી હતી. તેની ડાબી બાજુ તિરાડો પડવાની શરૂ થઈ હતી.
૨૦૧૨માં પણ તૂટ્યું હતું ગ્લેશિયર ગોમુખ ગ્લેશિયર ચાર વર્ષ પહેલાં પણ તૂટ્યું હતું. વરિષ્ઠ વૈજ્ઞાનિક કીર્તિકુમાર જણાવે છે કે વર્ષ ૨૦૧૨માં ગોમુખ ગ્લેશિયરનો એક ભાગ તૂટી ગયો હતો ત્યારે પણ બરફના ટુકડા વહીને ગંગોત્રી સુધી અાવ્યા હતા.

You might also like