ગુજરાત-યુપી અને અેમપીમાં હવે નવો ટેનન્સી એક્ટ લાગુ પાડવામાં આવશે

નવી દિલ્હી: મોદી સરકારના નવા ટેનન્સી એક્ટનો અમલ કરવા માટે કેટલાંય રાજ્ય હવે તૈયાર થઈ ગયાં છે, જોકે તેની સંખ્યા બહુ વધુ નથી, પરંતુ ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતનાં મોટા રાજ્યએ જણાવ્યું છે કે તેઓ પોતાના રાજ્યમાં ટેનન્સી એક્ટ લાગુ પાડવા તૈયાર છે અને પોતાના સ્તરે તેની સમીક્ષા કરી રહ્યા છે.

તાજેતરમાં વડા પ્રધાન આવાસ યોજનાની સેન્ટ્રલ સેક્શનિંગ અને મોનિટરિંગ કમિટીની બેઠકમાં કેટલાંય રાજ્યએ જણાવ્યું હતું કે તેઓ પોતાના રાજ્યમાં લાગુ વર્ષોજૂના રેન્ટ કન્ટ્રોલ એક્ટના સ્થાને ટેનન્સી એક્ટ ૨૦૧૫ને લાગુ કરવા તૈયાર છે. બેઠકમાં ઉત્તર પ્રદેશ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેઝન્ટેશનમાં જણાવાયું છે કે મોડલ ટેનન્સી એક્ટની પેટર્ન પર વર્તમાન રેન્ટ લોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતે પણ જણાવ્યું છે કે તેઓ મોડલ ટેનન્સી એક્ટ લાગુ કરવા માટે પ્રોસેસ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશે પણ જણાવ્યું છે કે મોડલ ટેનન્સી એક્ટની પેટર્ન પર રાજ્યમાં રેન્ટ કન્ટ્રોલ એક્ટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આર્થિક સર્વેક્ષણમાં એવું બહાર આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં ૧૨.૪ ટકા આવાસો ખાલી છે.

વર્ષ ૨૦૧૧ની મતગણતરીમાં પણ એવું બહાર આવ્યું હતું કે ૧.૧૮ કરોડ આવાસો ખાલી છે. સરકારનું કહેવું છે કે કાયદાની જટિલતાને કારણે લોકો પોતાના આવાસ ભાડે આપવા માગતા નથી અને એટલા માટે મોદી સરકારે એક આદર્શ ટેનન્સી એક્ટ તૈયાર કર્યો છે, જેના કારણે મકાન માલિક અને ભાડુઆત બંનેને ફાયદો થશે.

મોડલ ટેનન્સી એક્ટમાં જોગવાઈ કરવામાં આવી છે કે દરેક રાજ્યમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની પેટર્ન પર રેન્ટ ઓથોરિટી રચવામાં આવશે. જ્યાં ભાડુઆત અને મકાન માલિક વચ્ચે થયેલ રેન્ટ એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે.

You might also like