USની ચેતવણી: ચીન મસૂદ અઝહરની ઢાલ ન બને, પ્રતિબંધ માટે UNSCમાં નવો પ્રસ્તાવ

(એજન્સી) નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાના ગુનેગાર અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ (વૈશ્વિક આતંકી) જાહેર કરવામાં ભારતના મિશનને ટૂંક સમયમાં સફળતા મળી શકે છે. ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં વિઘ્ન નખાયા બાદ હવે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને ખુદ આગળ વધીને આ મુદ્દે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

આ ત્રણેય દેશો હવે ચીનને બાજુએ મુકીને યુએનએસસીના અન્ય સભ્ય દેશો સાથે મસૂદ અઝહર પર પ્રતિબંધના પ્રસ્તાવ અંગે વાત કરશે અને સમિતિ પર દબાણ ઊભું કરશે. આ ઉપરાંત અમેરિકાના વિદેશ પ્રધાને તો ચીનના બેવડાં ધોરણો પર સવાલ ઉઠાવીને તેની આકરી ટીકા પણ કરી છે અને ચીનને ચેતવણી પણ આપી છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરના દેશોએ ભારતનું સમર્થન કર્યું હતું. એ વખતે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને જ યુએનએસસીમાં મસૂદ અઝહર વિરુદ્ધ પ્રતિબંધનો પ્રસ્તાવ લાવવાની પહેલ કરી હતી, પરંતુ ચીન આડું ફાટવાના કારણે સફળતા મળી ન હતી.

હવે ફરી એક વખત આ ત્રણેય દેશ પ્રસ્તાવના ડ્રાફ્ટને આગળ વધારી રહ્યા છે. આ પ્રસ્તાવ યુએનએસસીના તમામ ૧૫ સભ્ય દેશોને આપવામાં આવ્યો છે અને સહમતિ સાધવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો પ્રતિબંધના પ્રસ્તાવ પર આ તમામ સભ્ય દેશો વચ્ચે સહમતિ સધાશે તો આતંકી મસૂદ અઝહરના પ્રવાસ પર પ્રતિબંધ, સંપત્તિ સીઝ કરવા જેવી તમામ કાર્યવાહીને લીલી ઝંડી મળી જશે.

આ ઉપરાંત અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ પણ ટ્વિટ કરીને ચીનની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું છે કે, એક તરફ ચીન પોતાના દેશમાં મુસ્લિમોને ત્રાસ આપી રહ્યું છે તો બીજી તરફ એક ઈસ્લામિક આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની તે સંયુક્ત રાષ્ટ્રમાં રક્ષા કરી રહ્યું છે. ચીનના મુસ્લિમો પ્રત્યેના આ શરમજનક દંભને દુનિયા સહન કરી શકે નહીં.

ઉલ્લેખનીય છે કે, ચીન યુએનએસસીનું સ્થાયી સભ્ય છે. આ કારણે જ તેની પાસે વિટો પાવર પણ છે. વીટો પાવર હોવાના કારણે ચીન કોઈ પણ પ્રસ્તાવને રદ્દ કરી શકે છે, ફગાવી શકે છે. મસૂદ અઝહરના મામલે ચીન અગાઉ ચાર વખત આવું કરી ચૂક્યું છે. હકીકતમાં યુએનએસસીના નિયમો કહે છે કે, જો સમિતિના સ્થાયી સભ્યો ઉપરાંત અન્ય અસ્થાયી સભ્ય પણ કોઈ મુદ્દે સહમત થઈ જાય તો પછી પ્રસ્તાવ પસાર કરી શકાય છે. આવા સંજોગોમાં પછી કોઈ એક સભ્યની નારાજગી કે તે પ્રસ્તાવના વિરોધમાં હોય તે વાત અગત્યની રહેતી નથી.

You might also like