એક મહિનાની બાળકી સવા કલાક સુધી ગરનાળામાં હેમખેમ પડી રહી

અમદાવાદ: ગોતાના પ્રાર્થના લેવિસ ફ્લેટની બહારથી એક મહિનાની બાળકીને ઉઠાવી જવાના મામલે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. પોલીસની તપાસમાં બાળકીની માતા તેને ચાંદલોડિયા બ્રિજ નીચે આવેલા રેલવે ટ્રેક પાસેના નાના ગરનાળામાં મૂકી આવી હતી.

ઘરે આવી અને તેના સાસુને તેને જણાવ્યું હતું કે બાઈક પર આવેલા બે શખસ બાળકીને લઈને ફરાર થઇ ગયા હતા. સવા કલાક સુધી એક મહિનાની બાળકી નાના ગરનાળામાં પડી રહી હતી. જોકે બાળકીને કૂતરા કે અન્ય પ્રાણી ઉઠાવી ગયું ન હતું. બાળકીને હાલ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ગોતા ન્યૂ એસજી રોડ પર આવેલા પ્રાર્થના લેવિસ ફ્લેટમાં રહેતા કૃણાલસીંગની એક મહિનાની બાળકી યક્ષિતાને ગત સાંજે આઠ વાગ્યાની આજુબાજુ ફ્લેટની બહારથી બાઈક પર આવેલા બે શખસ તેમની પત્ની પુષ્પાના હાથમાંથી ઉઠાવી ફરાર થઇ ગયા હોવાનો પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો.

પોલીસને જાણ થતાં સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. સોલા, ચાંદખેડા અને સાબરમતી પોલીસની હદ નજીક હોવાથી ત્રણેય પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ વગેરે મેળવી તપાસ શરૂ કરી હતી.

સાબરમતી પોલીસે બાળકીની માતા પુષ્પાબહેનની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે પુષ્પાબેહેનની ઊલટતપાસ કરતા તેઓ ભાંગી પડ્યાં હતાં અને પોતાની એક મહિનાની બાળકીને ચાંદલોડિયા બ્રિજ નીચે આવેલા રેલવે ટ્રેક પાસેના નાના ગરનાળામાં મૂકી આવ્યાં હોવાનું પોલીસને જણાવ્યું હતું.

જેથી પોલીસ તાત્કાલિક ચાંદલોડિયા બ્રિજ નીચે ગરનાળામાં પહોંચી ગઈ હતી. નાના ગરનાળામાંથી બાળકી સહી સલામત મળી આવતાં પોલીસે હાશકારો લીધો હતો. પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.

સોલા પોલીસ સ્ટેશનના પી.આઈ ડી.એચ. ગઢવીએ જણાવ્યું હતું કે મહિલા પોતાની બાળકીને શા માટે ચાંદલોડિયા બ્રિજ ગરનાળામાં મૂકી આવી તેનું કારણ જણાવતી નથી. બાળકીની હાલમાં સારવાર કરવામાં આવી છે. સોલા પોલીસે પુષ્પાબહેન વિરુદ્ધ ગુનો નોંધી અને તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

You might also like