ક્રૂડમાં ઉછાળોઃ એક લિટર પેટ્રોલ રૂ. 100માં ખરીદવા તૈયાર રહો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતથી જો તમે પરેશાન હો તો હજુ પણ વધુ પરેશાની સહન કરવા તૈયાર રહેજો. ક્રૂડ ઓઇલ પ્રતિબેરલ ૯૦ ડોલર સુધી મોંઘું થઇ શકે છે અને આ સંજોગોમાં પેટ્રોલના ભાવ પ્રતિલિટર રૂ.૧૦૦ સુધી જઇ શકે છે. આમ, પ્રતિલિટર રૂ.૧૦૦માં પેટ્રોલ ખરીદવા માટે તૈયાર રહેજો.

વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિબેરલ ૮૧.૩૯ ડોલર થઇ ગયા છે, જે ચાર વર્ષની સર્વાધિક સપાટીએ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો વર્તમાન દોરમાં જે પરિબળો હાવિ છે તે ચાલુ રહેશે તો ક્રૂડ ઓઇલ પ્રતિબેરલ ૯૦ ડોલર સુધી પહોંચી શકે છે અને રૂપિયો પણ તેના કારણે દબાણમાં આવી શકે છે અને તેથી પેટ્રોલના ભાવ વર્તમાન સ્તરથી વધુ ૧૦ ટકા ઊંચકાઇ શકે છે.

દરમિયાન આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. પેટ્રોલમાં પ્રતિલિટર ૧૪ પૈસા અને ડીઝલમાં ૧૦ પૈસાનો વધારો નોંધાયો છે. આજના વધારા સાથે મુંબઇમાં પેટ્રોલની કિંમત રૂ. ૯૦.૨૨ થઇ ગઇ છે, જ્યારે ડીઝલની કિંમત રૂ. ૭૮.૬૯ પર પહોંચી ગઇ છે. એ જ રીતે દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર રૂ. ૮૨.૮૬ અને ડીઝલની કિંમત રૂ. ૭૪.૧૨ પર પહોંચી ગઇ છે.

વર્ષ ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ૨૭ ટકા સુધી વધી ચૂકી છે. બીજી બાજુ મુખ્ય તેલ ઉત્પાદક દેશો ઓપેક દ્વારા ઓઇલનું ઉત્પાદન વધારવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે.

રશિયાની આગેવાનીમાં ઓપેક દેશોની બેઠક મળી હતી, જેમાં હાલ ઓઇલનું ઉત્પાદન નહીં વધારવા નિર્ણય કર્યો છે. સરકાર તરફથી પણ પેટ્રોલ-ડીઝલમાં રાહત મળવાના કોઇ સંકેત દેખાતા નથી.

You might also like