વીરપુર નજીક રૂ.53 લાખનાં દારૂ અને બિયર ભરેલી ટ્રક ઝડપાઈ

રાજકોટ જિલ્લાના વીરપુર નજીકથી આરઆર સેલની ટીમે રૂપિયા ૫૩ લાખનાે દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.

રાજકોટ આરઆર સેલની ટીમને બાતમી મળી હતી કે રાજકોટ-પોરબંદર હાઇવે ઉપરથી એક ટ્રક મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ ભરી નીકળવાની છે, જેથી આરઆર સેલની ટીમે વીરપુર બાયપાસ નજીક વછરાજ હોટલ પાસે વોચ ગોઠવી હતી.
દરમ્યાનમાં રાજસ્થાન પાસિંગની એક શંકાસ્પદ ટ્રક આવતાં તેને રોકી હતી.

પોલીસે તાડપત્રી હટાવીને અંદર તપાસ કરતાં ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લિશ દારૂની ૧૪,૬૫૯ બોટલ કિંમત રૂ.૫૧,૫૦,૪૦૦ તથા બિયરનાં ૨૩૯૬ ટીન કિંમત રૂ.૨,૩૯,૬૦૦ સહિત રૂ.૬૮,૯૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે ડ્રાઇવર વીરમચંદ દુર્ગારામ ગોડ (રહે.બાડમેર-રાજસ્થાન) તથા કલીનર જગદીશ કાલુરામ ચો‌ટિયા (રહે.બાડમેર-રાજસ્થાન)ની ધરપકડ કરી છે.

પોલીસે દારૂનો જથ્થો ભરી મોકલનાર શૈતનસિંઘ (રહે.જોધપુર), શેઠ નામનો માણસ તથા રઘુ મુનીમ નામનો માણસ તેમજ માલ મંગાવનાર વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે.

You might also like