ડિસા નજીકથી ઘાસની ગાંસડીની આડમાં લવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો: બે શખસની ધરપકડ

અમદાવાદ: બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવી ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો નિતનવા કીમિયા અજમાવે છે. ડીસા નજીક આવેલી ગજનીપુર ચેકપોસ્ટ પર પોલીસે ઘાસની ગાંસડીની આડમાં લવાતા વિદેશી દારૂના જંગી જથ્થાને ઝડપી લઇ બે શખસની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સ્થાનિક પોલીસ અધિકારીને બાતમી મળી હતી કે પંજાબ તરફથી ‌વિદેશી દારૂનો જથ્થો ભરી એક ટ્રક ગુજરાત તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ગજનીપુર ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી સઘન વાહનચેકિંગ શરૂ કર્યું હતું.

વહેલી સવારે હરિયાણા પાસિંગની એક ટ્રક પુરઝડપે પસાર થતા પોલીસે ટ્રકનો પીછો કરી ઝડપી લઇ તલાશી લેતા આ ટ્રકમાં ઘાસની ગાંસડીઓ હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસને વધુ શંકા જતા ઘાસની ગાસડીઓ ટ્રકમાંથી ઉતારી તપાસ કરતા ગાસડીઓ નીચે છુપાવેલો વિદેશી દારૂની બોટલો ભરેલી પેટીઓ મળી આવી હતી. પોલીસે આશરે રૂ.ર૭ લાખ રૂપિયાની કિંમતના જથ્થા સાથે કુલ રૂ.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કરી લઇ મનજીતસિંગ લુહાર અને પાલસિંગ જાટ નામના પંજાબના બે શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like