ગોમતીપુરમાં પૈસાની લેવડદેવડના ઝઘડામાં યુવક પર છરીથી હુમલો

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી આઇસ ફ્કેટરી પાસે ગઇ કાલે ધોળા દિવસે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

ત્રણ દિવસ પહેલાં યુવકની રૂપિયાની લેતી દેતી મામલે કાલુપુર રેલવે સ્ટેશન પર એક માથાભારે યુવક સાથે માથાકૂટ થઇ હતી. જેની અદાવત રાખીને ગઇ કાલે આ હુમલો કરવામાં આવ્યો છે.

ગોમતીપુર વિસ્તારમાં આવેલ મનુભાઇની નવી ચાલીમાં રહેતો ૨૨ વર્ષિય મોહંમદ કરીમ અંસારીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ભુરા વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે.

કરીમ રેલવે સ્ટેશન કામ કરીને પોતાનું અને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગોમતીપુર વિસ્તારમાં ગુટખા, બિસ્કિટનો ધંધો કરતા ભુરા સાથે કરીમને ત્રણ દિવસ પહેલા રૂપિયાની લેતી દેતી મામલે બબાલ થઇ હતી.

કરીમ સાથે થયેલી માથાકૂટના કારણે ભુરો ત્રણ દિવસથી છરી લઇને તેને મારવા માટે ફરતો હતો. ગઇ કાલે સાંજે આઇસ ફેક્ટરી પાસે કરીમ ઊભો હતો ત્યારે ભુરો એકદમ તેની પાસે દોડીને આવ્યો હતો અને ઉપરાછાપરી ત્રણ ચાર ઘા છરીને કરીમને મારી દીધા હતા. કરીમે બુમાબુમ કરતા આઇસ ફેક્ટરીમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા.

કરીમ લોહીથી લથપથ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો જ્યારે ભુરો ફરાર થઇ ગયો હતો. સ્થાનિકોએ ઇજાગ્રસ્ત કરીમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા.

જ્યાં હાલ તેની તબિયત નાજુક છે. ગોમતીપુર પોલીસને આ મામલે જાણ થતાં તે તાત્કાલીક હોસ્પિટલ પહોંચી ગઇ હતી અને કરીમની ફરિયાદના આઘારે ભુરા વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like