જે નફરતને સાથે રાખી ચાલે છે તેવા લોકો માટે નફરત જેલ સમાન છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીની આજે ૨૭મી પુણ્યતિથિ નિમિત્તે દેશના વિવિધ અગ્રણીઓ, મહાનુભાવો તેમજ રાજકીય નેતાઓ તરફથી રાજીવ ગાંધીને વીરભૂમિ ખાતે અંજલિ આપવામાં આ‍વી હતી ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્વટ કરતાં જણાવ્યું હતું કે મારા પિતાએ મને શીખવ્યું હતું કે જે લોકો નફરતને સાથે રાખીને ચાલે છે તેવા લોકો માટે નફરત જેલ સમાન બની જાય છે. તેમણે પોતાને પ્રેમથી રહેતાં શીખવનારા લોકોનો આભાર માન્યો હતો.

પૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ  નિમિત્તે યુપીએનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, વડા પ્રધાન મોદી, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓએ વીરભૂમિ ખાતે જઈ સ્વ. રાજીવ ગાંધીને અંજલિ અાપી હતી.

૨૧ મે, ૧૯૯૧ના રોજ રાજીવ ગાંધી શ્રી પેરામ્દુર ખાતે ચૂંટણી સભાને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે રાતે લગભગ ૧૦-૧૫ કલાકે તેઓ સભાસ્થળે પહોંચ્યા હતા ત્યારે એક મહિલા આત્મઘાતી હુમલાખોર ઘનુએ તેમને હાર પહેરાવ્યા બાદ બોમ્બનું બટન દબાવી દેતાં રાજીવ ગાંધીનું મોત થયું હતું. આ ઘટનાને આજે ૨૭ વર્ષ પૂરાં થતાં સ્વ.ને આજે દેશભરમાં વિવિધ જગ્યાએ અંજલિ આપવામાં આ‍વી રહી છે.

You might also like