ફાગણ વદ ચૌદશના દિવસે રાજસ્થાનના મૂળ એકલિંગજી મંદિરમાં ભવ્ય ઉત્સવ

એકલિંગજી ભગવાન શિવનું એક નામ છે. એકલિંગજી મેવાડ રાજના શાસક દેવ છે, અને મેવાડના રાજવી મહારાણાઓ તેમના દીવાન તરીકે નિયુક્ત થયા હોય તેવા ભાવથી રાજ કરતા આવ્યા છે. એકલિંગજીનું પ્રખ્યાત મંદિર ભારતનાં પશ્ચિમ ભાગમાં આવેલાં રાજસ્થાન રાજ્યનાં ઉદયપુર જિલ્લામાં આવેલું હિંદુ મંદિર સંકુલ છે.

આ ઉપરાંત ત્રિવેદી મેવાડા, ભટ્ટ મેવાડા અને અન્ય મેવાડા બ્રાહ્મણોના પણ તે ઇષ્ટદેવ છે. અમદાવાદના સારંગપુર વિસ્તારની કોકડિયાની પોળમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોની જ્ઞાતિનું એકલિંગજી ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે.

ભગવાન શંકરનાં જ એક સ્વરૂપ એવા એકલિંગજીને અધિષ્ઠાતા દેવ તરીકે રાખીને તેમનાં આ મંદિરનું બાંધકામ ગોહિલ વંશજોએ (જે પછીથી મેવાડના સિસોદિયા કહેવાયા) ઈ.સ. ૯૭૧માં શરૂ કર્યું હતું. સુંદર નક્શીકામ કરેલાં કુલ ૧૦૮ મંદિરો આ મંદિર સંકુલમાં બનાવ્યાં હતાં.

મુખ્ય મંદિર, કે જેમાં ભગવાન એકલિંગજી બિરાજે છે તે પાછળથી ૧૫મી સદીમાં નિર્માણ પામેલું છે. આ મંદિર પહેલાં નાશ પામેલાં મંદિરનાં અવશેષોમાંથી મૂળ જગ્યાએ જ બનાવવામાં આવ્યું છે. ઊંચા કોટથી રક્ષાએલું આખું પરિસર આરસપહાણ અને ગ્રેનાઈટનાં પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે.

મુખ્ય મંદિર વિશાળકાય બે મજલા ઊંચા સ્તંભોથી શોભતા મંડપ (મંદિરનો અંદરનો ભાગ) અને ખુબજ ઝીણી નક્શીવાળા અતિભવ્ય શિખરથી શોભાયમાન છે. મંદિરના ગર્ભગૃહમાં મધ્યે કાળા આરસનું બનેલું ભગવાન એકલિંગજીનું શિવલિંગ વિશાળ થાળામાં બિરાજે છે. આ શિવલિંગ તેના પ્રકારનું એક વિશિષ્ટ શિવલિંગ છે, કેમકે તે ચાર દિશામાં ચાર મુખ ધરાવે છે. પરિસરમાં આવેલું અન્ય એક મંદિર છે, લકુલીશ મંદિર જે ૯૭૧ની સાલમાં બાંધવામાં આવ્યું હતું, અને તે લકુલીશ સંપ્રદાયનું સમગ્ર ભારતમાં એકમાત્ર મંદિર છે.

ઉદયપુરથી ૨૨ કિમી ઉત્તરે સ્થિત એકલિંગજી બસ કે અન્ય વાહન મારફતે સડકમાર્ગે સહેલાઈથી પહોંચી શકાય તેમ છે. ઉદયપુરથી રાજસ્થાનનાં જ અન્ય એક પ્રખ્યાત યાત્રાધામ શ્રીનાથજી જતાં રસ્તા પર જ આવેલું છે. યાત્રાળુઓને અહીં પહોંચવા માટે રાજ્સ્થાન રાજ્ય પરિવહન નિગમની બસો ઉદયપુર કે રાજસ્થાનના અન્ય મહત્વનાં સ્થળોએથી તથા ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમની (એસ.ટી.) બસો પણ અમદાવાદ, હિંમતનગર વગેરે શહેરોથી આસાનીથી મળી રહે છે.

આખું મંદિર પરિસર મેવાડના રાજપરિવાર હસ્તક છે, અને તેઓ જ મંદિરના ટ્રસ્ટનાં મુખ્ય ટ્રસ્ટીઓ છે. મૂળભૂત રીતે આ મંદિર રાજ પરિવારનું અંગત મંદિર છે જે જાહેર જનતાને માટે ખુલ્લું મુકવામાં આવેલું છે. એક માન્યતા પ્રમાણે તેનું અસ્તિત્વ ઈ.સ. ૭૩૪થી છે. દર સોમવારે સાંજે ઉદયપુરનાં મહારાજા મંદિરે દર્શન કરવા આવે છે.

મંદિરમાં મેવાડના મહારાજા, રાજપરિવાર અને મંદિરનાં પૂજારી સિવાય અન્ય કોઈને પૂજા કરવાની પરવાનગી નથી. એકલિંગજીની આસપાસ અન્ય શિવ મંદિરો પણ આવેલાં છે. આ ઉપરાંત નજીકમાં આવેલા નાગદામાં પ્રખ્યાત સાસ-બહુ અને અદ્ભુતજીનાં મંદિરો આવેલાં છે. સાસ-બહુ મંદિર તેની સુંદર કોતરણી માટે પ્રખ્યાત છે, જેમાં રામાયણનાં અનેક પ્રસંગો કંડારવામાં આવ્યાં છે.•

You might also like