માત્ર 20 રૂપિયા ઉધાર માગતાં મિત્રએ મિત્રનું ગળું દબાવી દીધું

અમદાવાદ: શહેરના અસારવા વિસ્તારમાં આવેલ ચમનપુરામાં રહેતા એક યુવકની ૨૦ રૂપિયાની લેતીદેતી મામલે તેના જ મિત્રે ઢોર માર માર્યા બાદ ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. થોડાક દિવસ પહેલા યુવકે તેના મિત્ર પાસે ૨૦ રૂપિયા ઉધાર માગ્યા હતા.

જેમાં મિત્રએ યુવકને ઢોર માર માર્યો હતો અને તેનું ગળું દબાવ્યું હતું. યુવક ચાલતો ચાલતો તેના ઘરે ગયો હતો. જ્યાં તે એકાએક જમીન પર ઢળી પડ્યો હતો. બે દિવસ બાદ આસપાસના લોકોને જાણ થતાં તેને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મેઘાણીનગર પોલીસે અમદુપુરામાં રહેતા યુવક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.

ચમનપુરા વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટર્સ પાસેની પતરાંવાળીની ચાલીમાં રહેતો ૩૭ વર્ષિય સંજય મારવાડી નામનો યુવક રહેતો હતો. ૧૯ ઓગસ્ટના રોજ સંજય બેભાન હાલતમાં તેના ઘર પાસે મળી આવ્યો હતો.

જેથી આસપાસના લોકોએ તેના ભાઇને જાણ કરતા એ દોડી આવ્યાે હતાે. સંજયને સ્થાનિકોએ ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બીજા દિવસે સંજયના શેઠ બાબુભાઇ ઠાકોરે તેના ભાઇને જણાવ્યુ હતું કે અમદુપુરા બસસ્ટેન્ડ પાસે રહેતા તેજસિંગ હમીરસિંગ રાઠોડ નામની વ્યકિત સાથે સંજયને અમદુપુરા ભગવતી મીઠા પાણીના દરવાજા પાસે કોઇ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો.

તેજસિંગે સંજયને ગડદાપાટુંનો માર મારીને તેનું ગળું દબાવી દીધું હતું. મેઘાણીનગર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને આરોપી તેજસિંગને પકડવા માટે કવાયત હાથ ધરી છે.

You might also like