જામનગરના કનસુમરા નજીક મોડી રાત્રે ફેકટરીમાં બ્લાસ્ટ થતાં ભિષણ આગ લાગી

અમદાવાદ: જામનગરના કનસુમરા ગામ નજીક આવેલી એક ફેકટરીમાં મોડી રાત્રે બ્લાસ્ટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા જામનગરની રિલાયન્સ અને અને એસ્સાર કંપનીના ૧પથી વધુ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વહેલી સવારે ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી શકી હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ જામનગરના કનસુમરા ગામ નજીક પરફેક્ટ મેેટાક્રાફટ નામની ફેકટરી આવેલ છે. આ ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે ફેકટરીમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગ સમગ્ર ફેકટરી ફેલાઇ હતી.

આ ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા જામનગર તેમજ આસપાસમાં આવેલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રિલાયન્સ અને એસ્સારના ફાયર ફાઇટરની પણ મદદ લેવામાં આવી હતી. ૧પથી વધુ ફાયર ફાઇટરની મદદથી વહેલી સવારે આગ કાબૂમાં આવી હતી.

વિશાળ ફેકટરીમાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ તેની કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગમાં સંપૂર્ણ ફેકટરી બળીને ખાક થઇ ગઇ હતી અને કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.

You might also like