હાઇવે પર કોલસા ભરેલા ડમ્પરમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઇઃ ટ્રાફિકજામ

અમદાવાદ: અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાવાડી બ્રિજ નજીક કોલસા ભરેલા ડમ્પરમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી નથી. પરંતુ હાઇવે પરનો ટ્રાફિકજામ થઇ જતા ભારે હાલાકી સર્જાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, કોલસા ભરેલું ડમ્પર સુરતથી ભરુચ તરફ આવી રહ્યું હતું ત્યારે અંકલેશ્વર નજીક આમલાવાડી બ્રિજ પર આ ડમ્પરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. ડમ્પરનો ડ્રાઇવર અને ક્લિનર જીવ બચાવવા ડમ્પરમાંથી કૂદી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો.

ડમ્પરમાં કોલસો ભરેલો હોવાથી જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં રોડ પર બિહામણા દૃશ્યો સર્જાયા હતા. રોડ પરથી પસાર થતા વાહનચાલકોએ પણ ભયના કારણે પોતપોતાના વાહનો ઊભા રાખી દીધા હતા. જેના કારણે રોડ પરનો ટ્રાફિક છ કિલોમીટર લાંબો જામ થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલીક પહોંચી જઇ આગને કાબુમાં લઇ ડમ્પરને રોડ પરથી સાઇડમાં હટાવી લઇ ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.

You might also like