પુત્રી સાથે જઈ રહેલી માતાનું સ્કૂટર થાંભલા સાથે અથડાયુંઃ પુત્રીનું મોત

અમદાવાદ: પાલડી વિસ્તારમાં રહેતા વેપારીની પત્ની અને તેમની ચાર વર્ષની બાળકી રિવરફ્રન્ટ પર ફરી અને મોડી રાતે ઘરે પરત ફરી રહી હતી ત્યારે રિવરફ્રન્ટ વલ્લભ સદન પાસે એક્ટિવા સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાતાં માતા-પુત્રીને ગંભીર ઈજાઓ થઇ હતી. જેમાં ચાર વર્ષની બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ પાલડીના લિબર્ટી ફ્લેટમાં દીપકભાઈ ચૂડાસમા તેમની પત્ની, બે બાળકી યસ્વી(ઉ.વ.૧૦) અને ભવ્યા (ઉ.વ.૦૪) સાથે રહે છે. તેઓ પાલડી કર્ણાવતી પગરખાં બજારમાં સ્વસ્તિક ફૂટવેર નામે દુકાન ધરાવે છે.

ગઈ કાલે ગૌરી વ્રતનું જાગરણ હોવાથી પાડોશીઓ સાથે દીપકભાઈને પત્ની અંજુબહેન બંને બાળકી સાથે એક્ટિવા પર રિવરફ્રન્ટ પર ફરવા ગયાં હતાં. મોડી રાતે રિવરફ્રન્ટ પર ફરીને ઘર પરત ફરી રહ્યાં હતાં ત્યારે અંજુબહેનના એક્ટિવા પાછળ નાની દીકરી ભવ્યા બેઠી હતી અને અંજુબહેન એક્ટિવા ચલાવી રહ્યા હતા. રિવરફ્રન્ટ વલ્લભ સદન પાસે અંજુબહેને એક્ટિવાને બેફામ રીતે ચલાવી તેના  પરથી કાબૂ ગુમાવતાં એક્ટિવા સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાયું હતું.

અકસ્માતમાં માતા-પુત્રીને ગંભીર ઈજાઓ થઇ હતી. બંનેને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જયાં સારવાર દરમ્યાન ભવ્યાનું મોત નીપજ્યું હતું. દીપકભાઈને જાણ કરાતાં તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અંજુબહેન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like