બસે બાઇકને ટક્કર મારતાં એક પરિવારની ત્રણ વ્યક્તિનાં મોત

અમદાવાદ: નડિયાદ-કપડવંજ રોડ પર હરિપુરાના પાટિયા પાસેથી
પૂરઝડપે જતી બાઈકને અડફેટે લેતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિના
મોત થયા હતા. ઠાસરા તાલુકાના મુળિયાદ ગામના રહીશ ભલાભાઇ પરમાર તેમના પત્ની રઇબહેન અને તેમનો ભાઇ ખોડાભાઇ એક જ બાઇક પર તેમની સાસરીમાં જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

મોરબી-નવલખી રોડ પર ગત મોડી રાત્રે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ત્રણ વ્યકિતનાં મોત થયા હતા.જ્યારે બે વ્યકિતને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત નડીઆદ-કપડવંજ રોડ પર બસે બાઇકને ટક્કર મારતાં એક જ પરિવારની ત્રણ વ્યકિતના મોત થતાં પોલીસે આ અંગે અકસ્માતના ગુના દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી ખાતે રહેતા ચંદુભાઇ કાનજીભાઇ, વિઠ્ઠલભાઇ નરસિંહભાઇ અને અશોકભાઇ મહાદેવભાઇ પોતાની કારમાં નવી બનતી ફેકટરીની સાઇટ પરથી મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મોરબી-નવલખી રોડ બરવાળા ગામ પાસે સામે આવી રહેલા ડમ્પર સાથે કાર જોરદાર ધડાકા સાથે અથડાતાં ઉપરોકત ત્રણેયના માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા.જ્યારે અન્ય અકસ્માતમાં મોરબી રોડ પર જ અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં બે વ્યકિતના મોત થયા હતા.

આ ઉપરાંત સુરતની શાયન શુગર ફેકટરીમાં કામ કરી પોતાના વતન સાગબારા પરત જઇ રહેલા શ્રમજીવીઓની ટ્રક ખોપી ગામ પાસે પલટી ખાઇ જતાં રામસિંહ વસાવા સહિત બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે છ મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

You might also like