બીજા તબક્કાની 95 બેઠક પર મતદાન જારી: 68 બેઠક પર NDA-UPA વચ્ચે સીધી ટક્કર

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ૧૧ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં આમ તો કુલ ૯૭ બેઠક પર મતદાન થવાનું હતું, પરંતુ તામિલનાડુની વેલ્લોર બેઠક પર મતદારોમાં પૈસાની વહેંચણી થઈ હોવાની શંકાના કારણે ત્યાંની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે.

બીજી તરફ ત્રિપુરા-પૂર્વ લોકસભા બેઠક પર કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાયો ન હોવાના લીધે ૨૩ એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કામાં ૧૫.૯૭ કરોડ મતદારો ૧૬૨૯ ઉમેદવારોની હાર-જીતનો ફેંસલો કરશે. આ તબક્કામાં ૧.૮૧ લાખ પોલિંગ બૂથ (મતદાન કેન્દ્રો) બનાવવામાં આવ્યા છે. પાંચ રાજ્યની ૬૮ બેઠકો એવી છે, જ્યાં એનડીએ અને યુપીએ વચ્ચે સીધો મુકાબલો થઈ રહ્યો છે.

આજે સવારે શરૂ થયેલા મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળના ઉત્તર દીનાજપુર (રાયગંજ સંસદીય બેઠક)ના ઈસ્લામપુર સ્થિત એક બૂથમાં ઈવીએમ બગડતાં હોબાળો થયો હતો. તામિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નઈમાં મતદાન કર્યું હતું. પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે તામિલનાડુના શિવગંગા ખાતે મતદાન કર્યું હતું. આ ઉપરાંત નિર્મલા સીતારમન, કમલ હસન, સુશીલકુમાર શિંદે, ફારુક અબ્દુલ્લાએ પણ વોટિંગ કર્યું હતું.

બીજા તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો ફેંસલો પણ આજે ઈવીએમમાં કેદ થશે. પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા કર્ણાટકની તુમકુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના પૌત્ર પ્રજ્જવલ રેવેન્ના હાસનથી અને નિખિલ ગૌડા માંડ્યાથી ઉમેદવાર છે. ઉત્તરપ્રદેશની મથુરા બેઠક પરથી હેમામાલિની ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૧૪માં તેમને જીત મળી હતી. આ વખતે તેમનો મુકાબલો સપા-બસપા-આરએલડીના ઉમેદવાર કુંવર નરેન્દ્રસિંહ સાથે છે. કોંગ્રેસે પણ આ બેઠક પર મહેશ પાઠકને ટિકિટ આપી છે.

કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડા બેંગલોર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના કે.બી. ગૌડા સાથે છે. કેન્દ્રિય પ્રધાન જિતેન્દ્રસિંહ જમ્મુ-કાશ્મીરની ઉધમપુર બેઠક પરથી બીજી વખત મેદાનમાં છે. તેમની ટક્કર કોંગ્રેસના વિક્રમાદિત્યસિંહ સાથે છે, જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કર્ણસિંહના પુત્ર છે.

ડીએમકેના સંસ્થાપક એમ.કે. કરુણાનિધિના પુત્રી કનીમોઝી તામિલનાડુની તુતુકુડી બેઠકથી મેદાનમાં છે. તેમનો મુકાબલો ભાજપના ટી. સુંદરરાજન સાથે છે. મંગળવારે ચૂંટણી પંચ અને આવકવેરા વિભાગે કનીમોઝીના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા, પણ કંઈ વાંધાજનક મળ્યું ન હતું.

પૂર્વ ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે કોંગ્રેસની ટિકિટ પર મહારાષ્ટ્રની સોલાપુર બેઠકથી લડી રહ્યા છે. તેમની ટક્કર ભાજપના જય સિદ્ધેશ્વર શિવાચાર્ય મહાસ્વામીજી સાથે છે. ઉત્તરપ્રદેશના ફતેહપુર સીકરીથી રાજ બબ્બર મેદાનમાં છે. તેમની સામે બાજપના રાજકુમાર ચાહર અને સપા-બસપા-આરએલડીના સંયુક્ત ઉમેદવાર ગુડ્ડુ પંડિત મેદાનમાં છે.

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા શ્રીનગર સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે પીડીપીના આગા મોહસિન, પીપલ્સ કોન્ફરન્સના ઈરફાન અન્સારી અને બાજપના ખાલિદ જહાંગીર મેદાનમાં છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આ ૯૫ બેઠકોમાંથી સૌથી વધુ ૩૬ બેઠક એઆઈએડીએમકેને મળી હતી. ભાજપને ૨૭ જ્યારે કોંગ્રેસને ૧૨ બેઠક પર જીત મળી હતી. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ ૯૫માંથી સૌથી વધુ ૨૪ બેઠક જીતી હતી.

You might also like