‘જ્યાં સ્લમ-ત્યાં જ આવાસ’નો આનંદીબહેનનો દ્રઢ નિર્ધાર

અમદાવાદ: રાજકોટના વિકાસ માટે બનનારા રિંગ રોડ-૨ પર નિયમબદ્ધ ડ્રાઈવિંગ કરી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા, ઘરોમાં સ્વચ્છતા જાળવવા તથા ગ્લોબલ વોર્મિંગનો મક્કમતાથી સામનો કરવાનો નિર્ધાર રાજ્યના મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે આજે રાજકોટ ખાતે વ્યક્ત કર્યો હતો.

રાજકોટની ભાગોળે યોજાયેલા મુંજકા આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે લાભાર્થીઓને આવાસના દસ્તાવેજ અને ચાવીની સોંપણી કરતી વખતે આનંદીબહેને લાભાર્થીઓને ટકોર કરી હતી કે, રાજ્ય સરકાર ઘર બનાવીને દસ્તાવેજ પણ બનાવી આપે છે, ત્યારે ઘરમાં પાણીનો કરકસરપૂર્વકનો ઉપયોગ કરવો જોઈએ અને મળેલ સુવિધાની જાળવણી કરવી જોઈએ.

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ આયામો પૈકી સ્લમ ફ્રી સિટીના નિર્માણ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતાં મુખ્ય મંત્રી આનંદીબહેન ‘જ્યાં સ્લમ-ત્યાં જ આવાસ’ની રાજ્ય સરકારની નીતિ વ્યક્ત કરી હતી અને ઉમેર્યું હતું કે જર્જરિત થયેલા હાઉસિંગ બોર્ડના મકાનોની જગ્યાએ જ નવા મકાનો ‘એફોર્ડેબલ હાઉસ’ અન્વયે રાજ્ય સરકારે બનાવવાનું નક્કી કર્યું છે.

એંસી ચોરસ મીટરમાં ખાનગી બિલ્ડરો જો રાજ્ય સરકારના નિયત ધારાધોરણો મુજબના મકાનો બનાવી આપવા તૈયાર હોય તો રાજ્ય સરકાર તેમને આવકારે છે, એમ જણાવતાં મુખ્યમંત્રીએ ખાત્રી ઉચ્ચારી હતી કે, રાજ્યનો એક પણ ગરીબ પરિવાર ઘર વગરનો નહીં રહે. અપૂરતા વરસાદથી નિર્માણ થતી પાણીની અછતની સ્થિતિ પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ આ સ્થિતિના જનક એવા ‘ગ્લોબલ વૉર્મિંગ’નો મક્કમતાથી સામનો કરવાની નેમ વ્યક્ત કરી હતી અને ઉમેર્યું હતું કે, પીવાના પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર નવી યોજનાઓના નિર્માણ માટે પૂરતી પ્રયત્નશીલ છે.

રાજ્યના વિકાસની પારાશીશી સમા રાજ્યના રસ્તાઓ પર નિયમબદ્ધ ડ્રાઈવિંગ કરવા અને અકસ્માતો પર કાબૂ મેળવી તમામ નાગરિકોના જીવનનું રક્ષણ કરવા મુખ્યમંત્રીએ ઉપસ્થિતોને ટકોર કરી હતી. આ કાર્યમાં ગૃહ વિભાગના નિવૃત્ત અધિકારીઓ – કર્મચારીઓના સ્વૈચ્છિક સહયોગની પણ મુખ્યમંત્રીએ અપેક્ષા વ્યક્ત કરી હતી

You might also like