અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ કરાયો

અમદાવાદ: સોલામાં થયેલા લઠ્ઠાકાંડના પગલે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને પાસના નેતા હાર્દિક પટેલે ગાંધીનગરનાં આદિવાડા ગામમાં એક મહિલાના ઘરમાં ઘૂસી જનતા રેડ કરતા ગાંધીનગર સેકટર-ર૧ પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ સહિત છની વિરુદ્ધમાં ગેરકાયદેસર મકાનમાં પ્રવેશી ખોટો આરોપ મૂકવાના મામલે ફરિયાદ કરી છે.

સોલા ગામમાં બુધવારે થયેલા લઠ્ઠાકાંડ બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ, મુકેશ ભરવાડ, ચેતન ઠાકોર, પ્રવીણ ભરવાડ સહિત ૧પથી વધુ વ્યક્તિ ગાંધીનગર એસ.પી. ઓફિસ સામે આવેલ આદિવાડા ગામમાં રહેતી કંચનબહેન મકવાણાના ઘરમાં ઘૂસી જનતા રેડ કરી હતી.

ટોળાં સાથે મળી રેડ પાડતા તેમાંથી બે દેશી દારૂની પોટલીઓ મળી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ રેડમાં આવેલા વિરમગામના એક યુવકે ચોરી-છૂપીથી દારૂની બે પોટલી કંચનબહેનના ઘરમાં મૂકી હતી.

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી સહિત ૧પ થી વધુ વ્યક્તિના વિરુદ્ધમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કંચનબહેનનાં ઘરમાં ટોળું ઘૂસી ગયું હતું અને ખૂણે ખૂણે તપાસ કરી હતી. કંચનબહેને આજીજી અને કાકલુદી કરી હોવા છતા ત્રણેયે એક નહીં માનતા રેડ કરી હતી.

ઘટનાની વિગત એવી છે કે અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલે ગાંધીનગર એસપી ઓફિસની સામે કંચનબહેન નામની મહિલાના ઘરમાં જનતા રેડ કરી હતી. તેમના ઘરમાંથી બે નાની થેલી દેશી દારૂની મળી આવી હતી.

આ ઘટના બાદ મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્ય સાથે આવેલો એક છોકરો જાતે જ દારૂ લઇને આવ્યો હતો અને મારા ઘરમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો હતો. આ ઘટના બાદ ગાંધીનગર પોલીસે પ્રવીણ ભરવાડ નામના યુવકની પૂછપરછ શરૂ કરી હતી.

ગાંધીનગર સેક્ટર-૨૧ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન. યાદવે જણાવ્યું છે કે પ્રવીણ ભરવાડની પૂછપરછ બાદ મહિલાના ઘરમાંથી મળી આવેલી દારૂની બે પોટલીઓ ધારાસભ્ય સાથે આવેલા યુવકે મૂકી હોવાનું સામે આવ્યું હતું, જેમાં હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, મૂકેશ ભરવાડ, ચેતન ઠાકોર અને પ્રવીણ ભરવાડ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ તમામ લોકો આજે સાંજે પોલીસ સ્ટેશનમાં હાજર થશે.

You might also like