આજે ટોપ (MI) અને ફ્લોપ (RCB) વચ્ચે ટક્કર

મુંબઈઃ જ્યારે તમે કોઈ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જાવ ત્યારે એ વાત નિરાશા પણ અપાવે છે,તો કોઈ વખત રાહત પણ અપાવે છે. વળી રાહત હોય તો એ ટીમ ખતરનાક પણ સાબિત થઈ શકે છે. આ વાત બેંગલુરુની ટીમને લાગુ પડે છે, જે પ્લેઓફની રેસમાં લગભગ બહાર ફેંકાઈ ગઈ છે. આજે તેની મુંબઈ સામે ટક્કર થવાની છે ત્યારે ખબર પડશેકે નિરાશા તેમના પર સવાર થઈ છે કે તેઓ બેફિકર થઈને રમે છે.

વિરાટ કોહલીએ સ્પર્ધામાંથી બહાર થયા બાદ કહ્યું હતું કે, ”અમે હવે ટૂર્નામેન્ટની મજા લેવા માગીએ છીએ.” જો ખરેખર વિરાટ એન્ડ કંપની મજા લેવા માટે ઊતરશે તો જરૂર કેટલીક ટીમનું ગણિત બગાડી નાખશે. વિરાટ એવું જ ઇચ્છશે કે ટૂર્નામેન્ટમાંથી બહાર થવા છતાં એની ટીમના બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરે. મુંબઈની ટીમ અત્યારે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે છે. બેંગલુરુની ટીમ ૧૦માંથી માત્ર બે જ મેચ જીતી છે. મુંબઈની ટીમ જો આજની મેચ જીતી જશે તો તેનો પ્લેઓફમાં પ્રવેશ નક્કી થઈ જશે.

વાનખેડેમાં અગાઉ રમાયેલી મેચમાં મુંબઈની ટીમ પુણે સામે હારી ગઈ હતી. મુંબઈની ટીમ ઇચ્છશે કે પાર્થિવ, બટલરની સાથે સાથે કેપ્ટન રોહિત શર્મા, નીતીશ રાણા અને પંડ્યા બ્રધર્સ એકસાથે શાનદાર પ્રદર્શન કરે. બોલિંગનો સવાલ છે ત્યાં સુધી મલિંગાની વાપસીથી મુંબઈનો બોલિંગ કોચ શેન બોન્ડ ખુશ છે. બીજી તરફ બેંગલુરુના બેટ્સમેનો ટૂર્નામેન્ટમાં બહુ ખરાબ રીતે નિષ્ફળ રહ્યા છે, પરંતુ એની પાસે વિશ્વના ટોચના બેટ્સમેનો છે. કોહલીએ શનિવારની મેચમાં પણ અર્ધસદી ફટકારી હતી. જો બેંગલુરુએ સારો સ્કોર બનાવવો હશે તો તેના બેટ્સમેનોએ મોટી ઇનિંગ્સ રમવી પડશે.

 

You might also like