આજે છ મહાપાલિકાની ચૂંટણીના ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગત તા. ૨૩ ઓકટોબરે રાજ્યની અમદાવાદ મનપા સહિતની છ મનપા અને નપા-પંચાયતોની ચૂંટણીનો બે તબક્કાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જે મુજબ મનપાની ચૂંટણી કાર્યક્રમ આગળ ધપી રહ્યો હોઇ આજે આ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

અમદાવાદ મનપાનો ચૂંટણીજંગ ભાજપ અને કોંગ્રેસ આ બંને મુખ્ય રાજકીય પક્ષ માટે ભારે પ્રતિષ્ઠાનો બન્યો છે. અન્ય રાજકોટ મનપા, વડોદરા મનપા, સુરત મનપા, જામનગર મનપા અને ભાવનગર મનપા માટે પણ ખરાખરીનો જંગ ખેલાશે. રાજ્યના ગાંધીનગર મનપા અને જૂનાગઢ મનપા એમ આ બે મનપાને બાદ કરતાં અન્ય છ મનપા માટેની ચૂંટણી આગામી તા. ૨૨ નવેમ્બરે યોજાશે.

ગુજરાતભરમાં બિહારની ચૂંટણી પછી છ મનપાની ચૂંટણીને લઇને ભારે ઉત્સુકતાનો માહોલ છે. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ ગત તા. બીજી નવેમ્બરે આ તમામ મનપાના માટે ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ થયો હતો. ગત તા. ૭ નવેમ્બર સુધી ઉમેદવારીપત્ર ભરાયા હતા. ઉમેદવારીપત્રના છેલ્લા દિવસ સુધી ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. એટલે છ મનપામાં કુલ ૪૭૭૯ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં.

રાજ્યની છ મનપા પૈકી અમદાવાદ મનપામાં સૌથી વધુ કુલ ૧૬૪૦ ઉમેદવારીપત્ર ભરાયાં હતાં. ત્યારબાદ સુરત મનપામાં ૧૧૫૪ ઉમેદવારીપત્ર, રાજકોટ મનપામાં ૫૯૧ ઉમેદવારીપત્ર, વડોદરા મનપામાં કુલ ૫૧૮ ઉમેદવારીપત્ર, જામનગર મનપામાં કુલ ૪૭૧ ઉમેદવારીપત્ર અને ભાવનગર મનપામાંથી કુલ ૪૦૫ ઉમેદવારીપત્ર ભરાયાં હતા.

આજના ઉમેદવારીપત્રની ચકાસણીના દિવસે અમદાવાદ મનપામાંથી રામોલ હાથીજણમાંથી ત્રણ અપક્ષ ઉમેદવાર લાંભા વોર્ડના ચાલુ કોર્પોરેટર કાળુ ભરવાડની અપક્ષ ઉમેદવારી રદ કરાઇ હતી. પાલડીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર જયેશ પટેલના ઉમેદવારીપત્રને ચૂંટણી પંચે રદ કર્યું હતું. આવતીકાલે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ આવતીકાલ તા. ૧૦ નવેમ્બરના બપોરના ત્રણ વાગ્યા સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. એટલે કે બીજા અર્થમાં આવતીકાલે સાંજે અમદાવાદ મનપા સહિતની છ મનપાની ચૂંટણી માટેનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઇ જશે. આવતીકાલ સાંજ સુધીમાં તમામ મનપામાં વોર્ડ દીઠ ભાજપ, કોંગ્રેસ, એનસીપી સહિતના રાજ્ય ચૂંટણી પંચમાં માન્ય, અમાન્ય રાજકીય પક્ષોના ઉમેદવાર, અપક્ષ ઉમેદવાર નિશ્ચિત થઇ જશે તેના આધારે ચૂંટણીપંચ જે તે ઉમેદવારને અનુક્રમ નંબર અને ચૂંટણી પ્રતીક ફાળવશે.

You might also like