લકઝરી બસ અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ર૦ મજૂરોને ગંભીર ઇજા

અમદાવાદ: હાલોલ-વડોદરા રોડ પર બાસ્કા ગામ પાસે મધ્યપ્રદેશના શ્રમજીવીઓને લઇને પસાર થતી લકઝરી બસ અને ઓક્સિજનનાં બાટલા ભરેલા ટેમ્પો વચ્ચે મધરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા ર૦ મજૂરોને ગંભીર ઇજા પહોંચી હતી જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે મધ્યપ્રદેશના શ્રમજીવી પરિવારના ૧પ૦થી વધુ સભ્યોને લઇ ડબલ ડેકર લકઝરી બસ જામનગર તરફ જઇ રહી હતી ત્યારે હાલોલ-વડોદરા હાઇવે પર બાસ્કા ગામના પાટિયા પાસે સામેથી આવી રહેલા ઓક્સિજન ભરેલા ટેમ્પો સાથે આ બસ ધડાકાભેર અથડાતા બસમાં બેઠેલા મજૂરોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને તમામના જીવ પડીકે બંધાઇ ગયા હતા.

ઘટનાના પગલે એકત્ર થયેલા લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. આ અકસ્માતમાં ર૦ જેટલા મજૂરોને ઇજા પહોંચતા તમામને હાલોલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે જેમાંથી પાંચની‌ સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like