ડેરી પ્રોડ્કટ બનાવતી ફેકટરીમાં ફરજ બજાવતો કેશિયર 1.12 કરોડની ઉચાપત કરી ફરાર

અમદાવાદ: શહેરના નરોડા જીઆઇડીસીમાં આવેલી એક ડેરી પ્રોડ્કટ બનાવતી ફેકટરીમાં ફરજ બજાવતો કેશિયર એક જ મહિનામાં ૧.૧૨ કરોડ રૂપિયા ઉચાપત કરીને નાસી જતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. એક મહિનામાં ડેરી પ્રોક્ડટનું વેચાણ કરીને આવેલા ૩૫ કરોડ રૂપિયા માંથી કેશિયરે ૧.૧૨ કરોડ રૂપિયા ચપળતાપૂર્વક કાઢી લીધા હતા અને ત્યાર બાદ મરણ પ્રસંગમાં જવાનું છે તેમ કહીને રજા પર ઊતરી ગયો હતો.

નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રીનગર સોસાયટીમાં રહેતા અને નરોડા જીઆઇડીમાં જૈન ડેરી પ્રોડકશન પ્રાઇવેટ લિમિટેડમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા આલાપ શાહે નરોડા પોલીસ સ્ટેશનમાં ૧.૧૨ કરોડ રૂપિયાની ઉચાપત કરનાર કેશિયર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. જૈન ડેરીમાં કેશિયર તરીકે વિજય બચુલાલ પાલ (રહે શાંતિનગર સોસાયટી, નાના ચિલોડા) નોકરી કરતા હતા. જૈન ડેરી પ્રોડક્ટમાં જેટલા રૂપિયાની આવક થતી હતી તે તમામ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જમા કરવાનું કામ વિજયનું હતું.

૨૦ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ વિજય નોકરી પર નહીં આવ્યો હોવાથી તેને જૈન ડેરીના અન્ય કર્મચારીઓએ ફોન પર સંપર્ક કર્યો હતો. જેમાં તેને ઉત્તર પ્રદેશમાં રહેતા એક સંબંધી મરણ ગયા હોવાથી વતન આવ્યો હોવાનું કહ્યું હતું. વિજય થોડાક દિવસ પછી નોકરી પર હાજર નહીં થતાં ડાયરેક્ટર સહિત કર્મચારીઓએ તેને ફોન કર્યો હતો જોકે ફોન સ્વિચ ઓફ આવતો હતો. વિજય પર શંકા જતાં આલાપ શાહે ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ થી ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ સુધીનો હિસાબ તપાસ્યો હતો. જેમાં કુલ ૩૫ કરોડ રૂપિયાની ડેરી પ્રોડ્કટનું વેચાણ થયું હતું અને વિજયે ૩૩.૮૯ લાખ રૂપિયા એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

ડેરી પ્રોડ્કટનું વેચાણ કરીને આવતા રૂપિયામાં વિજયે કટકી મારી હોવાનું સામે આવતાં નરોડા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે. વિજય જૈન ડેરીમાંથી ૧.૧૨ કરોડ રૂપિયાની ઉચાપત કરીને નાસી ગયો છે. ડેરીના કર્મચારીઓએ વિજયની તપાસ કરાવી તો તેનું મકાન બંધ છે અને સંબંધીનું મરણ થયું હોવાનું બહાનું કાઢ્યુંં હતું.

You might also like