અમદુપુરામાં એક્સપાયરી ડેટના મસાલા વેચતો વેપારી પકડાયો

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ વિભાગો પૈકીના એક હેલ્થ વિભાગની ગુનાઇત બેદરકારીથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. શહેરમાં લેભાગુ વેપારીઓ નાગરિકોના આરોગ્યને જોખમમાં મૂકીને તંત્રની ધાક ન હોઇ બેફામ નફાખોરીના અવનવા નુસખા અજમાવી રહ્યા છે. અમદુપુરા વિસ્તારમાં એક્સપાયરી ડેટના મસાલાના એક-એક કિલોના પેકમાં રિપેકિંગ કરનારા લેભાગુ વેપારીને તંત્રે ગઇ કાલે રાત્રે ઝડપી પાડ્યો છે.

અમદુપુરાના સકલ બિઝનેસ પાર્ક-૪માં આવેલી બી-ર૩ના કે.પી. ટ્રેડ લિંક દુકાનમાં અગાઉથી મળેલી માહિતીના આધારે ગઇ કાલે રાત્રે કોર્પોરેશને દરોડા પાડ્યા હતા. આ દુુકાનમાં કોઇ પણ જાણીતી કંપનીના એકસપાયરી ડેટ ધરાવતા મસાલાનું એક-એક કિલોના પેકમાં રિપેકિંગ કરાતું હતું. ગઇ કાલના દરોડા દરમિયાન સત્તાવાળાઓએ ફેન્ટસી કંપનીના એકસપાયરી ડેટ ધરાવતા મસાલાનો જથ્થો પકડી પાડ્યો હતો.

હેલ્થ વિભાગનાં સૂત્રો કહે છે કે આ કંપનીના મસાલાના પેકેટની પાછળ લગાવેલા એકસપાયરી ડેટ ધરાવતા લેબલની જગ્યાએ આ લેભાગુ વેપારી નવું લેવલ લગાડતો હતો. તંત્રના દરોડા દરમિયાન ર૦૦ કિલો એકસપાયરી ડેટ ધરાવતા મસાલાના જથ્થાને જપ્ત કરીને દુકાનને સીલ કરાઇ છે.

http://sambhaavnews.com/

You might also like