હાર્દિક પટેલ અને ‘પાસ’ના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ, ભાજપને હરાવવાની મુરાદ ફાવી નહીં

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજનાં પરિણામના ટ્રેન્ડથી ભલભલા દિગ્ગજોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. રાજકારણના અન્ય દિગ્ગજોની જેમ હાર્દિક પટેલ પણ એક ચૂંટણી ન લડનારો દિગ્ગજ બન્યો હોઈ હાર્દિક ફેકટર પણ સતત ચર્ચાસ્પદ રહ્યું હતું. પાટીદારો સમાજને ઓબીસી અનામત અપાવવા માટે આંદોલન કરનાર હાર્દિક પટેલ જાહેરમાં આ વખતે ‘ભાજપને પાડી જ દો’ તેવો જનસભામાં હુંકાર કરતો હતો.

જો કે કોંગ્રેસને ગાંધીનગરમાં સત્તાનાં સૂત્રો અપાવવામાં હાર્દિક તનતોડ મહેનત કરી હોવા છતાં તેનો પનો ટૂંકો પડ્યો છે. ભાજપ ફરી સત્તામાં અાવતા હાર્દિક પટેલ અને ‘પાસ’ના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ‘પાસ’નું નવસર્જન થશે તેવી પણ અટકળો ચાલી રહી છે.

પાટીદાર સમાજને ઓબીસી અનામત અપાવવાના મુદ્દે રાજ્યમાં છેલ્લાં બે વર્ષથી આંદોલન કરનાર ‘પાસ’ના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલનો ભાજપ દ્વેષ અને કોંગ્રેસ પ્રેમ વારંવાર છતો થતો રહ્યો છે. છેલ્લે છેલ્લે તો તે ખુલ્લેઆમ ભાજપને અહંકારીઓની પાર્ટી ગણાવીને લોકો પાસે તેની વિરુદ્ધમાં વોટ આપવા જાત જાતના અને જાત જાતના સોગંધ લેવડાવતો રહ્યો.

પાટીદાર અનામતનો મુદ્દે કોરાણે મૂકીને તેણે ખેડૂતો મહિલાઓ અને બેરોજગાર યુવકોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા. હાર્દિક પટેલે પ્રજામાં શાસક પક્ષ વિરુદ્ધ ફેલાયેલા અસંતોષને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો અને હાર્દિક પટેલના આ પ્રયાસને સૌરાષ્ટ્રમાં ઉલ્લેખનીય સફળતા મળી હતી.

હાર્દિક ઈવીએમને હેક કરવાં સરળ ન હોઈ કોંગ્રેસને વોટ આપશો તો ભાજપને જશે એવી કોઈ બીક રાખવાની જરૂર નથી. તેમ પણ પોતાની જનસભાઓમાં ભારપૂર્વક જણાવીને મતદારોને કોંગ્રેસને નિઃસંકોચ વોટ આપવાની અપીલ કરતો હતો. પરંતુ તમામે એક્ઝિટ પોલનાં તારણ ભાજપ તરફી આવવાથી તેણે જાણી જોઈને એક્ઝિટ પોલમાં ભાજપ જીતી રહી છે તેવુંં વાતાવરણ રહ્યું છે.

જેથી ઈવીએમમાં ગરબડ બાદ કોઈ શંકા ના કરે. જો ચૂંટણી સાચી તો ભાજપને જીતવાના કોઈ અણસાર નથી તેવું ટ્વિટરમાં હાસ્યાસ્પદ નિવેદન કરીને લોકોનો રોષ વહોરી લીધો હતો. તેમ છતાં આજના પરિણામનો ટ્રેડ દર્શાવી રહ્યો છે કે સમજુ મતદારોએ સમાજમાં સંવાદિતાની રાહ અપનાવતા કોંગ્રેસ ગાંધીનગરમાં પરિવર્તન લાવવા કે ગુજરાતમાં નવસર્જન લાવવાના મામલે પૂર્ણ પણે સફળ થયું નથી.

હાર્દિક પટેલના પાસના અંગત સાથીદારો ચૂંટણી દરમિયાન તેનાથી નારાજ થઈને અળગા થયા હતા. જેમાં હાર્દિક બાદ નંબર ૨ ગણાતા દિનેશ બાંભણિયાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ૨૨ વર્ષથી ચાલતાં ભાજપના શાસન સામે એક સમયે પરિણામનાં ટ્રેન્ડ દરમિયાન કોંગ્રેસ ભાજપ કરતાં આગળ રહ્યું હતું. પરંતુ હવે ફરીથી ગાંધીનગરમાં ભાજપની સરકાર રચવાની હોઈ જેના કારણે હાર્દિક પટેલના આંદોલનની આગઉના જેવી પ્રબળ રાજ્યવ્પાપી અસર પણ ઓછી થવાની સંભાવના છે.

You might also like