ઉત્તર કોરિયા-અમેરિકા વચ્ચે યુદ્ધનો માહોલઃ બોમ્બર વિમાનોનો ખડકલો

સોલ: ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે તંગદિલી ચરમસીમાએ પહોંચી ગઈ છે. બંને દેશ એક બીજાને સતત ધમકી આપી રહ્યા છે. તેના લીધે કોરિયાઈ પ્રાયદ્વીપમાં તણાવની સ્થિતિ વકરી રહી છે. બંને દેશ તરફથી સૈન્ય અભ્યાસ પણ શરૂ થઈ ગયો છે. જેમાં અમેરિકાએ ગઈકાલે બી-૧બી બોમ્બ વર્ષક વિમાન સૈન્ય અભ્યાસમાં સામેલ કરતા તણાવની સ્થિતિ વધુ તંગ બની છે. જ્યારે બીજી તરફ ઉત્તર કોરિયા પણ અમેરિકાને હવે ગંભીર પરિણામ ભોગવવાં રહે તેવી ધમકી આપી રહ્યું છે.

ઉત્તર કોરિયાએ આ સૈન્ય અભ્યાસ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આવી બાબત પ્રાયદ્વીપને પરમાણુ યુદ્ધ તરફ ધકેલી રહી છે. દરમિયાન ગઈ કાલે ગુઆમ હવાઈ ‍વિસ્તારમાં અમેરિકાના બોમ્બવર્ષક વિમાનોને છોડવામાં આવ્યાં હતાં.આવતી કાલ સુધી ચાલનારા આ સંયુકત અભ્યાસમાં અમેરિકાના એફ-૨૨ અને એફ-૩૫ સ્ટીલથ ફાઈટર પણ સામેલ થઈ રહ્યાં છે.

આ સૈન્ય અભ્યાસ ઉત્તર કોરિયા દ્વારા એક સપ્તાહ પહેલા કરવામાં આવેલા મિસાઈલ પરીક્ષણ બાદ થઈ રહ્યો છે. ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યા બાદ દાવો કર્યો હતો કે આ મિસાઈલ પરીક્ષણ બાદ અમેરિકા ગભરાઈ ગયું છે.
દરમિયાન અમેરિકાએ બોમ્બ વર્ષક વિમાનને સૈન્ય અભ્યાસમાં સામેલ કરવા અંગે ચીનને પૂછવામાં આવતા ચીને હાલ બંને દેશે સંયમ દાખવવાની જરૂર છે તેમ જણાવ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગે જણાવ્યું કે અમને આશા છે કે આ બાબતે તમામ પક્ષો સંયમ રાખશે.અને તેઓ એવું કઈ નહીં કરે કે જેનાથી કોરિયાઈ પ્રાયદ્વિપમાં તણાવની સ્થિતિ ઊભી થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાનનો ખાતમો બોલાવી દેવાની સતત ધમકી આપી રહ્યું છે. ત્યારે હવે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ આ સૈન્ય અભ્યાસ શરૂ કરતા પ્યોંગયાંગે તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી સમાન ગણાવી છે. જેમાં તાજેતરમાં જ અમેરિકન રિપબ્લિકન સાંસદ લિંડસે ગ્રાહમે પેન્ટાગોનથી અમેરિકાનાં સૈન્ય દળોના પરિવારજનોને દક્ષિણ કોરિયાથી હટાવવાનો આગ્રહ કર્યો હતો.

You might also like