કારમાંથી રૂપિયા 5.45 લાખની રકમ સાથેની બેગની તફડંચી

અમદાવાદ: કારચાલકને દમદાટી મારી નજર ચૂકવી કારમાંથી રૂ.પ.૪પ લાખ સાથેની બેગની તફડંચી કરવામાં આવતા શહેર કોટડા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે અસારવા ખાતે રહેતા હરિશભાઇ ટાંક અનિલ સ્ટાર્ચ રોડ પર પીકર્સની ચાલી નજીકથી સાંજે છ વાગ્યાના સુમારે પોતાની કાર ચલાવી પસાર થતા હતા ત્યારે એક બાઇકચાલકે તેમને રોકી તમે આગળ અકસ્માત કર્યો છે તેવું કહી દમદાટી મારી હતી.

આ દરમ્યાન અન્ય એક મહિલા અને એક પુરુષ પણ બાઇક પર ત્યાં આવ્યા હતા અને હરિશભાઇની નજર ચૂકવી કારની સિટ પર મુકેલ રૂ.પ.૪પ લાખ સાથેેની બેગ તફડાવી ત્રણેય પલાયન થઇ ગયા હતા.

કારંજ વિસ્તારમાં જીપીઓ રોડ પર આવેલા ત્રણ ખુુણિયા બગીચા પાસેથી પસાર થઇ રહેલ સુલોચનાબહેન મહેશભાઇ ચુનારાનાં ગળામાંથી બાઇક પર આવેલ બે ગઠિયા સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયા હતા.

આ ઉપરાંત શાહીબાદ વિસ્તારમાં ઘોડાકેમ્પ રોડ પર અનાજના ગોડાઉન પાસેથી પતિ સાથે બાઇક પર પસાર થઇ રહેલ જાગૃતિબહેન મહેન્દ્રભાઇ પંચાલ નામની મહિલાના ગળામાંથી પણ બાઇકસવાર ગઠિયા રૂ.૪૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઇ જતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like