ઉ. કોરિયા સાથે બિનશરતી વાતચીત કરવા અમેરિકા તૈયાર

વોશિંગ્ટન: અમેરિકાએ ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને લઈને નરમ વલણ દાખવ્યું છે. અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસને જણાવ્યું હતું કે અમેરિકા ઉત્તર કોરિયા સાથે પરમાણુ નિઃશસ્ત્રીકરણના મુદ્દે કોઈ પણ જાતની શરત વગર સીધી વાતચીત કરવા તૈયાર છે. ટિલરસનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને પોતાના દેશને દુનિયાનો સૌથી શક્તિશાળી પરમાણુ સંપન્ન દેશ બનાવવાનો સંકલ્પ કર્યો છે.

ઉત્તર કોરિયાએ બે સપ્તાહ પૂર્વે જ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ જ કિમ જોંગે એવો દાવો કર્યો હતો કે હવે સમગ્ર અમેરિકા તેમના મિસાઈલોની રેન્જમાં આવી ગયું છે. જોકે ટિલરસનનું આ નિવેદન તેમની અગાઉની ટિપ્પણીઓથી વિરોધાભાસી છે.

જેમાં તેમણે એવું જણાવ્યું હતું કે અમેરિકા ઉત્તર કોરિયા સાથે વાતચીત કરશે નહીં. વોશિંગ્ટનમાં એટલાન્ટિક કાઉન્સિલ ફોરમના કાર્યક્રમમાં ટિલરસને જણાવ્યું હતું કે અમે ઉત્તર કોરિયા સાથે કોઈ પણ સમયે કોઈ પણ જાતની શરત વગર વાતચીત કરવા તૈયાર છીએ.

અમેરિકાના વિદેશપ્રધાનનો આ પ્રસ્તાવ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એ ચેતવણીઓની વિરુદ્ધ છે, જેમાં તેમણે એવું જણાવ્યું હતું કે વાતચીતનો માર્ગ હવે નિષ્ફળ થઈ ગયો છે અને ટિલરસન સમય બરબાદ કરી રહ્યા છે. જોકે ટિલરસનના આ નિવેદન બાદ વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા અંગે રાષ્ટ્ર પ્રમુખના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ વાતચીતનું અંતિમ ધ્યેય ઉત્તર કોરિયાનું સંપૂર્ણપણે અણુ નિઃશસ્ત્રીકરણ કરવાનું છે. ઉત્તર કોરિયાએ આ વર્ષે પોતાના મિસાઈલ કાર્યક્રમને વેગવંતો બનાવ્યો છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઉત્તર કોરિયા ૨૩ મિસાઈલનું પરીક્ષણ કરી ચૂક્યું છે

You might also like