દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે. આવા સંજોગોમાં બેઘર લોકોની જિંદગી બેહાલ બની છે, પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રાજધાનીમાં ૧૪ દિવસની અંદર ૯૬ બેઘર લોકો મોતને ભેટ્યા છે.

મોતના આ આંકડા પરથી ઠંડીના પ્રકોપનો અંદાજ લગાવી શકાય છે. સાથે સાથે જે વ્યક્તિના માથા પર છત નથી તેના માટે અહીં રહેવું કેટલું મુશ્કેલ છે તે પણ જાણી શકાય છે. ઠંડીથી મોતનો આ દાવો સીએચડી નામની એજન્સીએ કર્યો છે. કાંપતી ઠંડીમાં દિલ્હીમાં ૧થી ૧૪ જાન્યુઆરીની વચ્ચે ૯૬ બેઘર લોકો મૃત્યુ પામ્યા છે. હેરાન કરી દેતા આ આંકડા સેન્ટ્રલ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટના છે. સૌથી વધુ મૃત્યુ નોર્થ દિલ્હીમાં થયાં છે.

સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટના આંકડા મુજબ ડિસેમ્બર ૨૦૧૮થી જાન્યુઆરી ૨૦૧૯ સુધી કુલ ૩૩૧ લોકો ઠંડીથી મૃત્યુ પામ્યા છે. તેમાં ૨૩૫ લોકોએ ગયા મહિને ડિસેમ્બરમાં જીવ ગુમાવ્યો હતો. નવા વર્ષે ૧૪ દિવસની અંદર ૯૬ બેઘર લોકો મોતને ભેટ્યા હતા. જેઓ રાજધાની દિલ્હીમાં કામકાજની તલાશમાં અને રોજીરોટી માટે આવે છે.

કાશ્મીરી ગેટ કોટવાલી, સિવિલ લાઈન, રોગીલા વિસ્તારમાં સૌથી વધુ રેનબસેરાના દાવા સરકાર કરે છે, પરંતુ આ વિસ્તારોમાં માત્ર ૧૪ દિવસમાં ૨૩ મોતની ઘટના બની છે. સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટે જણાવ્યું હતું કે આ આંકડા ગૃહ મંત્રાલયની વેબસાઈટમાંથી કઢાયા છે અને તે દર્શાવે છે કે દિલ્હીની જનતા બિલકુલ ઠીક નથી.

You might also like