ભાજપના ૯૪ ઉમેદવારો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં બિનહરીફ

અમદાવાદ: આજના ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે સાંજ સુધીમાં ભાજપના ૯૪ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. બે તબક્કામાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણીમાં ભાજપના બિનહરીફ સંખ્યા હજુ વધવાની શકયતા છે. સુરત મનપાના વોર્ડ નંબર બેના ઉમેદવાર ઉર્વશીબહેન માળી, વડોદરા મનપાના વોર્ડ નંબર બારના ઉમેદવાર ભરત ડાંગર, ડાંગ જિલ્લા પંચાયતની ટાંકલીપાડા બેઠકના ઉમેદવાર સુરેશ ચૌધરી, પંચમહાલ જિલ્લા પંચાયતની આંગખિયા બેઠકના ઉમેદવાર સમરસિંહ પટેલ, દાહોદ જિલ્લા પંચાયતની સેવનિયા બેઠકના ઉમેદવાર ઉષાબહેન પટેલ, રૂવાબારી બેઠકના ઉમેદવાર સરદારસિંહ પૂંજારા, ગુણા બેઠકના ઉમેદવાર મનુભાઈ વણકર અને ગાંધીનગર જિલ્લા પંચાયતની રાંધેજા બેઠકના ઉમેદવાર સુશિલાબહેન વાઘેલાને ચૂંટણી પંચે બિનહરિફ જાહેર કર્યા છે.

આ ઉપરાંત વલસાડ જિલ્લાની ઉમરગામ, વાપી, વલસાડ અને ધરમપુર તા. પંચાયત, નવસારી જિલ્લાની ગણદેવી તાલુકા પંતાયત, સુરત જિલ્લાની બારડોલી, કામરેજ, ચોર્યાસી તા. પંચાયત, વડોદરા જિલ્લાની કરજણ તાલુકા પંચાયત, અમદાવાદ જિલ્લાની દસકોઈ, બાવળા, ધંધુકા તાલુકા પંચાયત, મહેસાણા જિલ્લાની મહેસાણા અને વડનગર તાલુકા પંચાયત, અને પાટણ જિલ્લાની શંખેશ્વર, સાંતલપુર અને સમી તાલુકા પંચાયત સહિત ૨૪ જિલ્લાની વિભિન્ન તાલુકા પંચાયતમાં ૫૩ ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યાં છે.
ભાજપના પ્રદેશ પ્રવકતા ડો. હર્ષદ પટેલના જણાવ્યા મુજબ, ભાજપના ૯૪ ઉમેદવારો આજે લાભપાંચમના શુભ દિવસે વિજયના શ્રીગણેશ કર્યાં છે. જેમાં મનપાના બે નપાના ૩૩, જિલ્લા પંચાયતના ૬, તાલુકા પંચાયતના ૫૩ બિનહરીફ ચૂંટાઈ આવેલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.

You might also like