૯૧ લાખની રદ ચલણી નોટો સાથે છ પકડાયા

અમદાવાદ: સરદાર પટેલ રિંગરોડ પર બાકરોલ સર્કલ નજીકથી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ રદ થયેલી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની કુલ ૯૧.૨૮ લાખની નોટો સાથે છ જેટલા શખસની ધરપકડ કરી છે. આરોપીઓ આ જૂની નોટ બદલવા માટે ફરી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે તેઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હાલ આરોપીઓ આ નોટો કોને બદલવા આપવાના હતા તેની પૂછપરછ શરૂ કરી છે. રદ થયેલી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો કેટલાક શખસો બદલવા માટે આવી રહ્યા છે તેવી બાતમીના આધારે ગઇ કાલે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સરદાર પટેલ રિંગરોડ પર બાકરોલ સર્કલ નજીક વોચ ગોઠવી હતી.

દરમિયાનમાં એક શેવરોલેટ ક્રૂઝ કાર આવતા પોલીસે તેને રોકી હતી. કારમાં તપાસ કરતા પોલીસને બે થેલા મળી આવ્યા હતા, જેમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની રદ થયેલી કુલ ૯૧.૨૮ લાખની નોટો મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ કુલ છ શખસો આ નોટો બદલાવા જઇ રહ્યા હતા. તમામ શખસો અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના રહેવાસી છે. આરોપીઓ આ નોટો એક કરોડની સામે નવી રૂ. ૨૦થી ૨૫ લાખની નોટો કમિશન ઉપર લેવા માટે ફરી રહ્યા હતા ત્યારે પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.
http://sambhaavnews.com/

You might also like