કાશ્મીરમાં આઇએસમાં જોડાવાના શક પર નવ સગીરની ધરપકડ

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં ખોફનાક આતંકી સંગઠન આઇએસઆઇએસમાં જોડાવાના શક પર નવ સગીરની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી ત્રણ સગીર શસ્ત્રોની ટ્રેનિંગ લેવા માટે બોર્ડર પાર કરીને પાકિસ્તાન જવાની તૈયારીમાં હતા. આ સગીરને નોર્થ આફ્રિકાના એક શખસે વોટ્સએપ ગ્રૂપ દ્વારા કટ્ટરવાદી બનાવ્યા હતા. આ તમામ સગીરને હાલ એક સુધારણા ગૃહમાં રાખવામાં આવ્યા છે.

તેમની સામે પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કરવા ઉપરાંત કાશ્મીર ખીણમાં ઇસ્લામિક સ્ટેટના ઝંડા લહેરાવવાનો પણ આરોપ છે. આ નવ સગીરની ઉંમર ૧પથી ૧૭ વર્ષની વચ્ચે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અલ હયાત નામના આ વોટ્સ એપ ગ્રૂપના નેતા અબુબકરના નામથી ઓળખાય છે.

આ ગ્રૂપ અનેક દેશોમાં સક્રિય છે. અબુબકર અને અલ હયાત બંને ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે. અબુબકર અલ બગદાદી ઇસ્લામિક સ્ટેટનો વડો છે તો અલ હયાત આ સંગઠનની મીડિયા વિંગ છે. ગુપ્તચર સંસ્થાઓ છેલ્લા કેટલાક સમયથી આ સગીર પર નજર રાખી રહી હતી. આ અંગે ભારતીય લશ્કર અને સરકારે ગંભીર ચિંતા વ્યકત કરી છે.

જોકે ઇન્ટેલિજન્સ એજન્સી આ સગીર સીધી રીતે આઇએસઆઇએસ સાથે સંકળાયેલા હોવાના અહેવાલને રદિયો આપે છે. જોકે એવું પણ કહેવામાં આવે છે કે આ તમામ સગીર હિઝબુુલ મુજાહિદ્દીનના એક વીડિયો ખલીફા દ્વારા પ્રેરિત હતા. આ વીડિયો હિઝબુલના કમાન્ડર બુરહાનીએ તૈયાર કર્યો હતો. કેટલાય કાશ્મીરી અને યુવાનો આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોઇ ચૂકયા છે.

રાજ્યસભામાં સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષના નવેમ્બર સુધીમાં ૭૯ યુવાન આતંકવાદી સંગઠનમાં જોડાયા છે. ગઇ સાલ આ આંકડો ૬૦નો હતો.

You might also like