સુરતમાં વેપારી પરિવારનાં શબ જોઇ પાંડેસરાનાં લોકો હિબકે ચડ્યાં

સુરત : નેશનલ હાઇવે નં-8 પર કરજણ નજીક રવિવારે રાત્રે થયેલા અકસ્માતમાં સુરતનાં વેપારી પરિવાર ભોગ બન્યો હતો. અકસ્માતમાં ગેહલોત પરિવારનાં સભ્યોનાં મોતના પગલે પાંડેસરા વિસ્તાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હસતા રમતાં પરિવારનાં સભ્યોનાં મોતના સમાચારનાં પગલે સવારથી જ વેપારીઓ શોકમાં ગરક થયા હતા.

અકસ્માતમાં એક આખો પરિવાર ખુંવાર થવાના કારણે સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. વેપારી આલમે પણ મોતનો મલાજો જાળવ્યો હતો અને પોતાની દુકાનો બંધ રાખી હતી. બપોર બાદ મૃતકોના શબ આવી પહોંચતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સુરતનો ગેહલોત પરિવાર પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. તે સમયે પુર ઝડપે આવતી ફોર્ચ્યુનર કાર 3 વાહનો સાથે અથડાઇને પલટી ખાઇ ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 4 લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી.
કરજણની શિવકૃપા હોટલ પાસેના ઓવરબ્રિજ પાસે રાત્રે 9 વાગ્યાનાં અરસામાં અકસ્માત સર્જાયો હતો. જેમાંવડોદરા તરપથી સુરત જઇ રહેલી ફોર્ચ્યુનર કારનાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે કાર પહેલા સ્વિફ્ટ કાર સાથે અથડાઇને અન્ય એક કાર સાથે અથડાઇ હતી. અકસ્માતમાં સુરત અને અમદાવાદમાં પરિવારનાં લોકોનાં મોત નિપજ્યા હતા.

શ્યામ કપૂરજી ગેહલોત સુરતમાં છેલ્લા 35 વર્ષથી સ્થાયી થયા હતા. તેઓ કપડાનાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ત્યારે તેમણે બે વર્ષ અગાઉ પુત્ર વિકાસ માટે રાજકમલ નામનો સાડી શો રૂમ કર્યો હતો. થોડા સમય અગાઉ જ વિકાસે પોતાની કમાણીમાંથી જ નવી ગાડી ખરીદી હતી. જે ગાડી લઇને પરિવાર ફરવા માટે ગયો હતો.

You might also like